NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ, બુધવાર
નીટની પરીક્ષાનું પેપર લીક થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા રદ કરી હતી અને 21મી જૂનની નવી તારીખ જાહેર થઈ હતી. ત્યારે પુનઃ પરીક્ષા સમયે ફરીથી પેપર લીક ન થાય અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. ત્યારે સુરક્ષા અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાના આઇજીપી મકરંદ ચૌહાણને સ્ટેટ નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ડીજીપીની પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
નીટની પરીક્ષા દેશભરમાં 3જી મેના રોજ યોજાયી હતી. પરંતુ, પેપર લીક થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ બાબતને ગંભીરતાથી લઈને પરીક્ષા રદ કરી હતી. ત્યારબાદ પરીક્ષા માટે 21મી જૂનની નવી તારીખ જાહેર કરી હતી. જોકે આ પરીક્ષા પૂર્વે ટેલિગ્રામ ચેનલ પર નીટના પેપરનું વેચાણ કરવાના અને પરીક્ષાની ફી રિફંડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે ઇન્ટેલિજન્સ એજન્સીને ચોક્કસ માહિતી મળી છે કે અગાઉની મોડસ ઓપરેન્ડી માફક હજુ પણ કેટલાંક તત્વો સોશિયલ મીડિયા પર પેપર લીક કરી શકે છે. જેથી સંપૂર્ણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ડીજીપી જી.એસ.મલિકે મંગળવારે સિનિયર પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
કાયદો અને વ્યવસ્થાના આઇજીપી મકરંદ ચૌહાણને નીટની પરીક્ષા અનુસંધાનમાં રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા. તેમજ પરીક્ષા પૂર્વે કેન્દ્રોની આસપાસની ફોટોકોપીની દુકાનો પર સતત વોચ રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીઓની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે ખાસ તાકીદ કરાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર આવતા વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન અને અન્ય પ્રતિબંધિત ઉપકરણો સુરક્ષિત જમા રાખવાની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરાઈ છે. જ્યારે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે રાજ્યના તમામ સોશિયલ મીડિયા યુનિટને ખાસ કામગીરી સોંપવામાં આવી છે. આ માટે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેથી પરીક્ષાના બંદોબસ્તમાં અડચણ ન આવે તે રીતે આયોજન કરીને પોલીસ સ્ટાફને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે.









