લ્યો કરો વાત, પિનકોડને અલવિદા કહી દો: તમારો પોતાની DG PIN બનાવી દો, કોઈને એડ્રેસ શોધવા પૂછવું પણ નહિ પડે
ડી.જી. પિન ડેવલપ કરવા પાછળનો મૂળભૂત હેતુ તમારી કોઈપણ વસ્તુની ડિલીવરી એકદમ સરળતાથી થઈ જાય તે જોવાનો છે
એડ્રેસ શોધવાની જફામાંથી મુક્તિ અપાવવા ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે નવી ડિજિટલ એડ્રેસ સિસ્ટમ વિકસાવી
ડી.જી. પિનની રાષ્ટ્રીય સ્તરની જિયોકોડેડ એડ્રેસ સિસ્ટમ કોઈને પણ પૂછયા વિના વાસ્તવિક લોકેશનની દસથી પંદર ફૂટ દૂર સુધીના અંતરે તમને પહોંચાડી શકશે.
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
તમારુ ઘર ક્યાં છે, એડ્રેસ મળતું જ નથી જેવી ફરિયાદ સાથે હવે તમને કોઈનોય ફોન આવશે નહિ. આ કમાલ છે ડીજી પિનની. હા, ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે હવે ડીજી પિન વિકસાવી છે. તેમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસનો અલગ ડીજીપિન જનરેટ કરી શકશે. આ ડીજીપિનને કારણે ઘર અને ઓફિસનું એક્ઝેટ લોકેશન જોઈ શકાશે. એડ્રેસ શોધવા માટે કોઈને પણ પૂછવાની જરૃર ઊભી થશે નહિ. એકવાર તમે તમારો ડીજી પિન ડેવલપ કરી લેશો તો પછી પોસ્ટલ એડ્રેસમાં તમારે પિનકોડ લખવાની જફા પણ કરવી પડશે નહિ. આ ડીજી પિનના ૧૦ અક્ષરના આલ્ફાન્યુમરિક કોડની મદદથી તમારા ઘરનું એકદમ ચોક્કસ લોકેશન જાણી શકાશે. કોઈને પણ પૂછવાની જરૃર રહેશે નહિ.
ભારત સરકારના પોસ્ટ ડિપાર્ટમેન્ટે ડી.જી. પિન ડેવલપ કરી છે. તેની પાછળનો મૂળભૂત હેતુ તમારી કોઈપણ વસ્તુની ડિલીવરી એકદમ સરળતાથી થઈ જાય તે જોવાનો છે. એડ્રેસ શોધવા માટે કોઈને પૂછવાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફથી છુટકારો મળશે. ડી.જી. પિન દસ અક્ષર અને આંકડાંનો મિક્સ કોડ છે. આ કોડ પ્રોપર્ટીનું અત્યંત ચોકસાઈપૂર્ણ લોકેશન બતાવે છે. અત્યાર સુધી ચાલી રહેલી પિનકોડ સિસ્ટમમાં બહુ જ મોટા એરિયામાં આવેલી મિલકતોમાંથી તમારી મિલકત કઈ છે તે શોધી કાઢવાની જફા કરવી પડતી હતી. ડી.જી. પિનથી તમારા ઘર કે ઓફિસનો એક્ઝટ લોકેશન જાણી શકાય છે.
ડી.જી.પિન જનરેટ કરવા માટે સરકારની વેબસાઈટ પર જઈને તેના પર તમારા ઘરનું કે ઓફિસનું લાકેશન શોધી કાઢીને તમે પોતે જ તમામો યુનિક કોડ જનરેટ કરી શકશો. યુનિક કોડ જનરેટ થઈ ગયા પછી દૂરસુદૂરના કે ગામડાંના અંતરિયાળ વિસ્તારમાં પણ એડ્રેસવાળું ઘર શોધવામાં તકલીફ પડશે નહિ.
ઓનલાઈન શોપિંગ કરનારા, લોજિસ્ટિકની એટલે કે માલની હેરફેર કરવાની સેવા પૂરી પાડનારાઓ અને કોઈ ઇમરજન્સીમાં કોઈને ફોન કર્યો હોય તો ૧૦૮ જેવી સુવિધા આપનારાઓને ઘર કે ઓફિસ કે જે તે લોકેશન શોધી કાઢવામાં જરાય તકલીફ પડશે નહિ. એડ્રેસ પર ડિલીવરી કરવામાં અત્યારે જે ભૂલ થાય છે તે ભૂલ થવાની સંપૂર્ણપણે અટકી જવાની સંભાવના છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પરથી ખરીદી કરનાર ડી.જી.પિન આપી દે તો તેમણે મંગાવેલા પ્રોડક્ટ્સની ડિલીવરી બીજે થવાની સંભાવના નહિવત થઈ જશે. ડિલીવરી આપવાની કામગીરી ઝડપી બની જશે. ડી.જી. પિન રાષ્ટ્રીય સ્તરની જિયો(ભોગોલિક વિસ્તારના કોડ)કોડેડ એડ્રેસ સિસ્ટમ છે. ડી.જી. પિન વાસ્તવિક લોકેશનની એકદમ નજીક એટલે કે દસથી પંદર ફૂટ સુધીના અંતરે તમને પહોંચાડી શકશે. અક્ષાંશ અને રેખાંશને આધારે ડી.જી.પિન લોકેશન ફિક્સ કરતી હોવાથી એડ્રેસ શોધવામાં તકલીફ પડતી નથી. વર્તમાન પિનકોડ સિસ્ટમમાં વિસ્તાર, ગલી અને ઘર નંબરને આધારે એડ્રેસ શોધવું પડે છે. ગૂગલ મેપ કરતાંય વધુ ચોકસાઈથી ડી.જી.પિન લોકેશન સુધી લઈ જાય છે. ગામડાં કે જંગલ વિસ્તારના કે સમુદ્રની વચ્ચે આવેલા એડ્રેસનું લૉકેશન પણ શોધી શકે છે. ડી.જી. પિનનો ઉપયોગ કરનારનું ટપાલ માટેની સરનામું બદલાઈ જશે નહિ. હા, ડી.જી. પિન જનરેટ કરી દીધા પછી એડ્રેસને વધુ સ્પેસિફિક બનાવવું પડશે નહિ. પિન કોડ તમને વિસ્તારમાં, શેરી સુધી લઈ જઈ શકે છે. પરંતુ ડી.જી.પિન તમારા ઘર કે ઓફિસથી ૧૨થી ૧૫ ફૂટના અંતર સુધી ટપાલીને કે ડિલીવરી મેનને લઈ જઈ શકે છે. ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે ડી.જી.પિન વધુ અનુકૂળ બને તેવી સંભાવના છે.
તમે તમારો ડી.જી. પિન ક્યાં જનરેટ કરશો
હવે દરેક ઘર માલિક કે ઓફિસ માલિક પોતાની ડી.જી. કોડ ઓનલાઈન જનરેટ કરી શકશે. ડી.જી. કોડ કે ડી.જી. પિન એ ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર છે. સરકારે તેને માટે વેબસાઈટ ચાલુ કરી છે. આ વેબસાઈટ પર જઈને દરેક વ્યક્તિ પોતાનો ડીજી કોડ જનરેટ કરી શકશે. તેને માટે દરેક વ્યક્તિએ ડી.જી. પિન પોર્ટલ https://dac.indiapost.gov.in/mydigipin પર જઈને ૧૦ અક્ષરને આંકડાંના કોમ્બિનેશનવાળો ડી.જી.પિન જનરેટ કરવાનો રહેશે. ડી.જી. પિન જનરેટ કરનારનું જિયોલોકેશન આધારિત એક્ઝેટ એડ્રેસ જાણીને એકદમ ચોકસાઈ સાથે તે ઘરે પહોંચીને ટપાલની કે ઓનલાઈન મંગાવેલી વસ્તુઓની ડિલીવરી આપી શકાય છે. ડી.જી. પિન માટે ટપાલ ખાતાએ https://digipin.cept.gov.in ડી.જી. પિન જનરેટ કરવાની સુવિધા આપી છે. બંને પ્લેટફોર્મ ભારત સરકારના પોસ્ટલ વિભાગે ડેવલપ કરેલા છે. આઈઆઈટી હૈદરાબાદ અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર હેઠળ કામ કરતાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના સહયોગથી આ ડી.જી. પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.