સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી
ભક્તોએ મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી : ગંગા અવતરણ પૂજા યોજાઇ, ગંગા અષ્ટકમ સ્તોત્રનાં પઠન સાથે કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યોે
પ્રભાસપાટણ, : ગંગા દશેરા એટલે કે જેઠ શુક્લા દશમીના માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂા મહાત્મ્ય છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. તેવા સોમનાથના ત્રિવેણી સંગમ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગંગા અષ્ટકમ સ્તોત્રના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન કરાયેલ. સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી, કૂવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો.
ત્યાર બાદ સાયં મહાઆરતી યોજાઇ હતી. જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠયુ હતુ. ટ્રસ્ટ પરીવાર, સ્થાનીક તીર્થ પૂરોહિતો સહીત ભક્તો દ્વારા ત્રિવેણી માતાની આરતી ઉતારવામાં આવેલી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર, અધિક કલેકટર સહિતના મહાનુભવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.