આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે
શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં વિવિધ કાર્યક્રમો
બોરસદના મહાકાળેશ્વર મહાદેવમાં ચાર સોમવાર ઉજ્જૈન તિર્થ જેવી ભસ્મ આરતી થશે
આણંદ: આણંદ-ખેડા જિલ્લાના શિવાલયોમાં શ્રાવણ મહિનાને લઇ ભક્તોની ભીડ શુક્રવારથી ઉમટશે. આણંદ શહેરમાં આવેલા લોટેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, કરમસદના બાપેશ્વર મહાદેવ, જીટોડીયા સ્થિત વૈજનાથ મહાદેવ તેમજ બોરસદના મહાકાળેશ્વર મહાદેવ સહિત આણંદ જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ માસના આગમનની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લા ભરના શિવ મંદિરોમાં સજાવટોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.જિલ્લાના ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ સહિતના તાલુકા મથકો તેમજ વહેરાખાડી, ખાનપુર, ખંભોળજ, મહીતીર્થના સ્થળોએ શિવાલયો ખાતે ભક્તો શિવલિંગ ઉપર બિલીપત્ર, જળ, દૂધનો અભિષેક કરી મહાદેવની પૂજા સાથે શ્રાવણ માસના વધામણા કરશે. શ્રાવણ માસમાં શિવાલયોમાં મહારુદ્ર, લઘુરુદ્ર યજ્ઞા સહિતના વિવિધ ધામક કાર્યકર્મોનું આયોજન કરાયા છે.
બોરસદમાં સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મહાકાળેશ્વર મહાદેવ મંદિરે ઉજ્જૈનની જેમ શ્રાવણ માસના સોમવારે ભસ્મપૂજા કરાય છે. ચાલુ વર્ષે શ્રાવણના ૪ સોમવારે ભક્તો ભસ્મ આરતીનો લાભ લઈ શકશે. બોરસદના મહાકાળેશ્વર મંદિરે ભસ્મ આરતીનો લાભ લેવા સવારે ૩ વાગ્યાથી આણંદ જિલ્લાના ભક્તોની ભારે ભીડ ઉમટે છે.