દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધી જતા પિતૃ તર્પણ કરતા ભાવિકોને ખસેડવા પડયા
ગિરનાર પર 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ : ઉપરવાસમાં ભારે વરસાદથી ફાયર અને પોલીસની ટીમની સતર્કતા દુર્ઘટના અટકી : બેરીકેડ રાખી કુંડમાં જવા પર મુકાયેલો પ્રતિબંધ બપોર બાદ દૂર
જૂનાગઢ, : આજે ભાદરવી અમાસ નિમીતે મોટી સંખ્યામાં લોકો દામોદરકુંડ ખાતે પિતૃતર્પણ કરવા ઉમટી પડયા હતા.સવારે ગિરનાર પર 2 કલાકમાં ધોધમાર પાંચેક ઇંચ વરસાદ પડયો હતો.અચાનક કુંડમાં પાણી આવી ગયું હતું.એ પૂર્વે ત્યાં તૈનાત ફાયર અને પોલીસ ટીમે પિતૃતર્પણ કરતા ભાવિકોને કાંઠે ખસેડયા હતા.જેથી દુર્ઘટના અટકી હતી. બાદમાં બેરીકેડ મૂકી કુંડ તટ પર જવા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.જે બપોરબાદ પાણી ઓસરતા દૂર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃતર્પણ કર્યું હતું.
આજે ભાદરવી અમાસ નિમીતે ગત મોડી રાત્રીથી જ ભાવિકો દામોદરકુંડ ખાતે પહોંચી ગયા હતા.તો વહેલી સવારથી પણ પિતૃતર્પણ માટે કતાર લાગી હતી.દામોદરકુંડ ખાતે મેળા જેવો માહોલ છવાયો હતો.આ દરમ્યાન સાતેક વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.ગિરનાર પર્વત ક્ષેત્રમાં બે કલાકમાં પાંચેક ઇંચ વરસાદ થયો હતો.સાડા આઠેક વાગ્યા સુધી બધું રાબેતા મુજબ ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થયો ન હતો.ઉપરવાસમાં ભારે વરસાદ પડયો હોવાથી સોનરખ નદીમાં ભારે પુર આવવાની સંભાવનાને ધ્યાને રાખી પોલીસ અને ફાયર વિભાગની ટીમે પિતૃતર્પણ કરતા ભાવિકોને દામોદરકુંડમાં પાણી વધતું હોવાની સૂચના આપી હતી અને ત્યારે ત્યાં હાજર ભાવિકોને કાંઠા પરથી ખસેડયા હતા.તેની થોડીવારમાં જ દામોદરકુંડમાં ભારે પાણી આવ્યું હતું.ભાવિકો રોડ પર જતા રહ્યા બાદ પોલીસે કાંઠા પર બેરિકેડ મૂકી દામોદરકુંડ તટ પર જવા પ્રતિબંધ મૂકી દીધો હતો. બપોરબાદ પાણી ઓસરતા કુંડ ખાતે જવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો ત્યારે અનેક ભાવિકોએ સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું