Get The App

માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્રણ વર્ષથી અટવાતું કામ

યાત્રાધામ વિકાસ બોર્ડ, કલેક્ટર કચેરીમાં પૂજારીના ધરમધક્કા ઃ ઠાકોરજીની મૂર્તિ પણ બીજા મંદિરમાં સ્થાપિત કરવાની ફરજ પડી

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના  રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્રણ વર્ષથી અટવાતું કામ 1 - image

વડોદરા, તા.1 માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે આવેલા ગાયકવાડી સમયના ૧૫૦ વર્ષ જૂના જર્જરિત રાધાવલ્લભ મંદિરનો એક ભાગ નવેમ્બર-૨૦૨૧માં પડી ગયા  બાદ સરકાર દ્વારા મંદિરનું નવીનીકરણ હાથ ધરાયું હતું. ત્રણ વર્ષ થવા છતાં હજી પણ મંદિરનું કામ પૂર્ણ નહી થતાં ભગવાનની મૂર્તિને નજીકના અન્ય મંદિરમાં રાખવાની ફરજ પડી છે.

આ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યા બાદ તેને ભક્તો માટે ખુલ્લુ મૂકવા મંદિરના પૂજારી દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી પરંતુ સરકાર ઉપરાંત વડોદરા કલેક્ટર કચેરીના ધ્યાન પર આ વાત આવતી  જ ન હતી. મંદિરના પૂજારી ઉમાકાંત ભટ્ટે જણાવ્યું હતું કે જર્જરિત મંદિર તોડી નાખ્યા બાદ રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ થયા છતાં હજી પણ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી જ રહ્યું છે અને મંદિરનું કામ ક્યારે પૂર્ણ થશે તે પણ નક્કી નથી.

યાત્રાધામ વિકાસ બોર્ડ અને કલેક્ટર કચેરીમાં કામ અટવાતા મંદિરનું કામ પૂર્ણ થઇ શક્યું નથી. ગોકળગાય ગતિએ ચાલતા કામ છતાં પણ સરકાર તરફથી કોઇનું ધ્યાન તે તરફ જતું નથી. રાધાવલ્લભ મંદિરની મુખ્ય ઠાકોરજીની ૧૫૦ વર્ષ પહેલાં રાજસ્થાનથી લાવવામાં આવેલી મૂર્તિ નજીકના વિઠ્ઠલેશ મહારાજ મંદિરમાં હાલ સ્થાપિત કરવામાં આવી છે. ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં પણ પોતાની મૂળ જગ્યાએ મૂર્તિ સ્થાપિત નહી થઇ શકતા ભક્તોમાં નારાજગી વ્યાપી છે.

મંદિરના ગટર જોડાણ તેમજ ગેસના જોડાણ માટે કોઇ પ્રક્રિયા હાથ નહી ધરાતાં મંદિરને તાળા મારી દેવામાં આવ્યા છે. મંદિરના તાળા વહેલીતકે ખુલે તેમજ ઠાકોરજીની પ્રતિમા સ્થાપિત થાય તેવી લાગણી પણ ભક્તોમાં છે.