દેવગઢ બારિયામાં જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો, વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ
Devgadh Baria News: દેવગઢ બારિયા નગરપાલિકામાં વધુ એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પોતાની હયાત પત્નીનો મરણનો દાખલો મેળવી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી અને આવા બોગસ દાખલાઓ કઢાવવા પાછળના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વોર્ડ નંબર 4 માં રહેતા સ્વદેશસિંહ બારીયાએ પોતાની 42 વર્ષીય પત્ની મંજુલાબેન બારીયાનું મૃત્યુ થયું હોવાનું ખોટા પુરાવા રજૂ કરીને મરણનો દાખલો મેળવ્યો હતો. તેમણે દર્શાવ્યું હતું કે તેમની પત્ની મંજુલાબેનનું મૃત્યુ 12 જુલાઈ, 2024ના રોજ થયું છે, જ્યારે વાસ્તવમાં તેઓ જીવિત છે. આ ઘટનાએ નગરપાલિકાના વહીવટની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ અગાઉ રાયસિંગ ભાઇ મગનભાઇ નામના વ્યક્તિએ અરજી આપી કે હું જીવત અને મારા મરણનો દાખલો મળી આવ્યો છે. આ બાબતે તપાસ કરતાં પુત્રએ જ લોન માફી માટે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એક બાદ એક આવી ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે હજુ આવા કેટલા જીવિત લોકોના બોગસ મરણના દાખલા ઈશ્યૂ થયા હશે. આ કિસ્સાઓમાં નગરપાલિકાના કર્મચારીઓની મિલીભગત હોવાની પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
જીવિત વ્યક્તિના મરણના દાખલા કઢાવવા પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ ઘટનાઓ મિલકત, વારસાઈ હક, કે અન્ય કોઈ આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવી રહી છે કે કેમ, તે તપાસનો વિષય બન્યો છે. આ કિસ્સાએ નગરપાલિકાના દાખલા ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.