- અધ્યક્ષસ્થાનેથી બે ઠરાવ રજૂ થયા, ત્રણ મુદ્દામાં સુધારા
- રોડ સહિતના કામોમાં ઝડપ લાવી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઈ
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે શુક્રવારે સાંજે મિટીંગ મળી હતી. સ્ટ્રોમલાઈન/બોક્ષ લાઈન, મોડેલ સ્કૂલ તરીકે અપગ્રેડ કરવા, ડ્રેનેજ લાઈન, રોડ, પેવિંગ બ્લોક સહિત ૧૬૦.૧૨ કરોડના ખર્ચે થનારા વિકાસ કામો સહિત ૮૭ એજન્ડાને મંજૂરીની મહોર મારવા માટે મળેલી બેઠકમાં તરસમિયામાં મનપા હસ્તકના પાર્ટી પ્લોટોનું શિફ્ટ વાઈઝ ભાડું નક્કી કરાયું હતું. તેમજ ભાવમાં વધુ ત્રણ ટકાના ઘટાડાનું નેગોશીએશન સહિત ત્રણ મુદ્દામાં નિર્ણયો અને સુધારા કરાયા હતા. આ ઉપરાંત સેક્રેટરી વિભાગની રેકર્ડ ડિજિટલાઈઝેશન કામગીરીને લગત સોફ્ટવેર, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા વગેરે કામગીરીની સૈધ્ધાંતિક મંજૂરી અને દોઢ કરોડ રી.એ. કરવાના ઠરાવને અધ્યક્ષસ્થાનેથી રજૂ કરી મંજૂરી કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ વિવિધ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી હતી.


