આપના પ્રમુખ સહિત ૨૪ ની સામે અટકાયતી પગલા
પોલીસે ૧૭ મોબાઇલ ફોન કબજે લીધા ઃ સ્થળ પર જઇ પંચનામુ કર્યુ
વડોદરા,કોર્પોરેશનની કચેરીમાં જઇ મેયરની ઓફિસની બહાર હંગામો કરી કાળી શાહી ફેંકી નેમ પ્લેટ તોડી નાંખવાના બનાવમાં નવાપુરા પોલીસે આજે સ્થળ પર જઇ પંચનામુ કર્યુ હતું.
ગઇકાલે બપોરે કોર્પોરેશનની કચેરીમાં મેયરની ઓફિસની બહાર આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. મેયરના દરવાજાની બહાર ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કરી મહિલા કાર્યકર જાન્હવીબા ગોહિલે મેયર ઓફિસના દરવાજા પર કાળી શાહી ફંેકી હતી. તેમજ કાર્યકર શંશાક ખરેએ દરવાજા પરની નેમ પ્લેટ તોડી નાંખી હતી. જે અંગે કુલ ૨૪ લોકો સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે તમામની ધરપકડ કરી ૧૭ મોબાઇલ ફોન કબજે લીધા છે. આજે તેઓને જામીન પર મુક્ત કરી ફરીથી અટકાયતી પગલા ભરી અટક કર્યા છે. પોલીસે આજે કોર્પોરેશનની કચેરીએ જઇને પંચનામુ પણ કર્યુ હતું.