- લોકસાહિત્યકારનો પુત્ર જયરાજ વધુ એક વિવાદમાં
- સામાન્ય લોકોને ચાલીને જવા મજબૂર કરતું તંત્ર વીઆઈપીઓને ઘૂંટણીયે, દીવા જેવી સ્પષ્ટ વાત છતાં કલેક્ટરનો તપાસનો આદેશ!
મહાશિવરાત્રીના મેળામાં આ વખતે પ્રથમવાર વાહન પર સંપૂર્ણ પ્રતિબંધના દાવાઓ વચ્ચે નેતાઓ, ભાજપના આગેવાનોના પરિવારજનો, અધિકારીના પરિવારજનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાડે રાખવામાં આવેલી બસમાં મેળો કરી રહ્યા છે. જ્યારે સામાન્ય ભક્તજનો કિલોમીટરો સુધી ચાલીને મેળો કરવા મજબૂર બન્યા છે. થોડા દિવસ પહેલા જ વિવાદમાં આવેલ જયરાજ આહીર ફરીવાર વિવાદમાં સપડાયો છે. જયરાજ આહીર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં ભવનાથ તળેટીમાં આવેલા જુના અખાડા ખાતે આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયલ વીડિયોમાં મુજબ જયરાજ આહીર પોતાના મિત્રો સાથે ભવનાથ તળેટીમાં મેળો કરવા પહોંચ્યાનું સ્પષ્ટ બને છે. હાલ મેળામાં વાહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે તો કેવી રીતે આ વાહન ભવનાથ તળેટીમાં પહોંચ્યું તે એક સવાલ છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૪૦ જેટલી એસી લક્ઝરી બસ રાખવામાં આવી છે. આ બસનો વધુ દુરઉપયોગ થઈ રહ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
આ મામલે વિપક્ષ નેતા લલિત પણસારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેળામાં વીઆઈપી કલ્ચર ન થાય તે માટે અમે તંત્રને રજૂઆત કરી, આંદોલન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી, કલેક્ટર સહિતના ચાલીને જતા હોય તેવા દેખાડા કરવામાં આવ્યા હતા ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડે ભાડે રાખેલી બસમાં જયરાજ આહીર મેળામાં પહોંચ્યો! તેણે સવાલ ઉઠાવ્યો છે કે કલાકારના પુત્રને કેવી રીતે આ સુવિધા મળી શકે ? દરમિયાન, આ અંગે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું તેના સ્ટાફે કહ્યું છે, પરંતુ કલેક્ટરે પોતે ફોડ પાડવા માટે કાયમની જેમ આ વખતે પણ ફોન ઉપાડવાની તસદી સુધ્ધાં નહોતી લીધી.
અધિકારીએ બસની વ્યવસ્થા કરી કાં'તો પોલીસની મીઠી નજર
સમગ્ર મામલે શંકા એ ઊઠે છે કે જો યાત્રાધામ વિકાસ બોર્ડની ભાડે રાખેલી બસમાં જયરાજ આહીર તેના મિત્ર સાથે પહોંચ્યો હોય તો આ બસની વ્યવસ્થા કોઈ અધિકારી દ્વારા જ કરવામાં આવી હોય અને જો ખાનગી બસમાં પહોંચ્યો હોય તો પોલીસની મીઠી નજર હેઠળ જ તે વાહન ભવનાથ તળેટીમાં પહોંચ્યું હોય. વહીવટી તંત્રની બેવડી નીતિ ખુલ્લી પડી જતા ભક્તોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂકી ઉઠયો છે.


