ઈન્કમ ટેક્સ ડીસ્ક્લોઝર સ્કીમ હેઠળ જાહેરાત કરનાર અભયવચન છતાં
કરદાતાને સર્વિસ ટેક્સના નામે ડીજીજીઆઈની ખોટી કનડગતની સામે રાવ
કોરાનાએ ઉધોગ-ધંધાની કમ્મર તોડી નાખી છે ત્યારે 2016-17ના આર્થિક વ્યવહારોના મુદ્દે ડીજીજીઆઈટી ની ખોકનડગત સામે કરદાતા વ્યવસાયીની ઉચ્ચ સ્તરે ફરિયાદ
સુરત,તા.30 જુલાઈ 2020 બુધવાર
કેન્દ્ર સરકારની વર્ષ-2017માં ઈન્કમ ડીસ્ક્લોઝર સ્કીમ હેઠળ બેનામી આવક જાહેર કરનાર વ્યવસાયી કરદાતાઓને સરકારનું અભયવચન છતાં સુરત ડીજીજીઆઈના અધિકારીઓ દ્વારા સર્વિસ ટેક્સના નામે ખોટી કનડગત કરતા હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.જે અંગે કોરાના કાળમાં કારોબારની મંદીથી પરેશાન કરદાતા વ્યવસાયીઓ દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરતાં આગામી દિવસોમાં કોઈ નવા જુની થવાના સંભાવના વર્તાઈ રહી છે.
આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમ ટેક્સ ડીસ્ક્લોઝર સ્કીમ લોન્ચ કરીને કરદાતાઓને પોતાની બેનામી આવકની સ્વૈચ્છિક જાહેરાત કરીને ચુકવવા પાત્ર થતાં અમુક ટકા કર ભરીને ભવિષ્ય સુનિશ્ચત બનાવવાની અપીલ કરી હતી.તદુપરાંત આ સ્કીમ હેઠળ બેનામી આવક જાહેર કરનાર કરદાતા વ્યવસાયીને ભવિષ્યમાં કોઈ સરકારી કર વિભાગની કનડગતમાંથી અભયદાન આપવામાં આવ્યું હતુ.જો કે કેન્દ્ર સરકારની આ અભય વચન પોકળ સાબિત થઈ રહ્યું છે.સુરત ડીજીજીઆઈ કચેરીના અધિકારીઓ દ્વારા સુરતના વિવિધ વ્યવસાયિક કરદાતાઓને વર્ષ-2016-17ના આર્થિક વ્યવહારો સંદર્ભે સર્વિસ ટેક્સના ઓઠા હેઠળ પુછપરછના બહાને ઓફીસ પર પ્રત્યક્ષ બોલાવીને કનડગત કરતા હોવાની બૂમરાણ ઉઠી છે.
અત્રે નોધનીય છે કે થોડા સમય પહેલાં પણ ડીજીજીઆઈના અધિકારીઓએ સંખ્યાબંધ ટેક્સટાઈલ ટ્રેડર્સ, સ્ક્રેપ વેપારીઓ તથા બિલ્ડર્સ સહિતના વિવિધ વ્યવસાયી કરદાતાઓને તપાસના નામે ખોટા દબાણ કરીને પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.જેથી સુરત ડીજીજીઆઈની ખોટી કનડગતથી પરેશાન થઈને સુરતના વિવિધ વ્યવસાયી કરદાતા વર્ગ દ્વારા સીબીઆઈથી માંડીને પીએમઓ સુધી ફરિયાદ કરવાની પેરવી કરી છે.જેથી આગામી દિવસોમાં કોઈ નવા જુની થવાના સંભાવના નકારી શકાય તેમ નથી.