યુનિ.ને શિક્ષણ વિભાગનો આદેશ છતાં 31મી સુધીમાં નવી નિમણૂંકો નહી થાય

રોસ્ટરની મંજૂરી અને ફિક્સ પગારના અનુભવના મુદ્દે અધ્યાપકોની ભરતી અટકી
નોન ટીચીંગની વર્ગ-૩ની ભરતી માટે આગામી તા.૧૬ના લેખિત પરીક્ષા, વર્ગ-૨ની નિમણૂંક માટે પરીક્ષાના ઠેકાણાં નથી : અનિશ્ચિત ભરતી પ્રક્રિયાથી ઉમેદવારોમાં અવઢવ
સૌરાષ્ટ્ર યુનિ.માં જુદા-જુદા વહીવટી કારણોસર ટીચીંગ અને નોન ટીચીંગની અંદાજે ૧૫૦થી વધુ ખાલી જગ્યાઓ ઉપર પસંદગી પ્રક્રિયા આગળ વધી નથી. યુનિ.ના વહીવટી વડા ગણાતા રજીસ્ટ્ટારની નિમણૂંકને પણ સરકારે બહાલી આપી દીધી હોવા છતાં આજ સુધી યુનિ.નો વહીવટ 'ઇન્ચાર્જ'થી ચાલતો રહ્યો છે. દરમિયાન ગઇકાલે કાયદા ભવનમાં આસી.પ્રોફેસરની ભરતી માટે ઇન્ટરવ્યુ થયા હતા. પાંચમાંથી ત્રણ ઉમેદવાર હાજર રહ્યા હતા. જેમાંથી એક ઉમેદવારનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.
દરમિયાન નોન ટીચીંગ કર્મચારીઓની પસંદગી પ્રક્રિયા આગળ વધી હોવાનું જણાવી પસંદગી સમિતિના સુત્રો ઉમેરે છે કે આગામી તા.૧૬ના રોજ યુનિ.માં વર્ગ-૩ની ભરતી માટે પ્રાથમિક તબક્કાની ઓ.એમ.આર. પદ્ધતિ મુજબની લેખિત પરીક્ષા ગોઠવવામાં આવી છે. અંદાજે ૧૪૦૦ ઉમેદવારોની લેખિત પરીક્ષાના આધારે મેરીટ નક્કી થશે. લેખિત પરીક્ષા બાદ પ્રમાણપત્રોના વેરીફિકેશન થશે. ત્યારબાદ મેરીટ એક્ઝામના આધારે ઉમેદવારોની પસંદગી થશે. અલબત્ત વર્ગ-૨ના અધિકારીની પસંદગી કેવી રીતે કરવી ? તે હજુ અનિશ્ચિત છે. આ સંજોગોમાં ૩૧ માર્ચ પહેલાં ટીચીંગ કે નોન ટીચીંગ કર્મચારીઓમાંથી એક પણ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પુરી થાય તેવા ચિહ્નો દેખાતા નથી.








