Get The App

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત 1 - image


- ભાવનગર મહાપાલિકાએ રખડતા ઢોર પકડવા પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી 

- શહેરના શાકમાર્કેટ, ચિત્રા, ઘોઘારોડ, સુભાષનગર સહિતના વિસ્તારમાંથી મહાપાલિકાએ ઢોર પકડવા કાર્યવાહી હાથ ધરી 

ભાવનગર : ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે. 

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા મહાપાલિકાએ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગત ઓગષ્ટ માસમાં શહેરના શાકમાર્કેટ, ચિત્રા, ઘોઘારોડ, સુભાષનગર, તળાજા જકાતનાકા, કાળિયાબીડ સહિતના વિસ્તારમાંથી મહાપાલિકાની ટીમે પ૧પ રખડતા ઢોર પકડયા છે તેમ માહિતી આપતા મહાપાલિકાના વેટરનરી ઓફીસર હિતેષ સવાણીએ જણાવેલ છે. આ તમામ ઢોરને પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા, જેના પગલે પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવ બની રહ્યા છે અને લોકોને ઈજા પહોંચી રહી છે તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

શહેરના કાળુભા રોડ, ભરતનગર, સિદસર રોડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યારે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

મહાપાલિકાએ રૂા. 2.08 લાખનો દંડ વસુલી 59 પશુ છોડયા 

ભાવનગર મહાપાલિકાએ પકડેલ પશુને છોડાવવાનો દંડ રૂા. ૩ હજાર ઉપરાંત ઢોર ડબ્બામાં રાખવાનો દરરોજનો ખર્ચ રૂા. ૧ હજાર લેવામાં આવે છે. છેલ્લા એક માસમાં મહાપાલિકાની ટીમે રૂા. ર.૦૮ લાખનો દંડ વસુલી પ૯ પશુ છોડયા છે. 

મહાપાલિકાએ 532 પશુને પાંજરાપોળમાં મોકલ્યાં 

ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે અને ઢોર ડબ્બામાં પશુની સંખ્યા વધી જાય છે તેથી તબક્કાવાર પશુઓને પાંજરાપોળ-ગૌશાળામાં મોકલવામાં આવે છે. મહાપાલિકાએ અત્યાર સુધીમાં પ૩ર પશુને પાંજરાપોળ-ગૌશાળામાં મોકલેલ છે. 

Tags :