Get The App

મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન્ટ્રાકટ

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ માટે ૨૪૫૦ સિકયુરીટી,ગનમેન,બાઉન્સર લેવા દરખાસ્ત મંજુર કરાઈ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન્ટ્રાકટ 1 - image


અમદાવાદ,ગુરુવાર,31 જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત વિવાદીત નિર્ણય લેવાયો છે. સુરતમાં લેબર વિભાગનુ બોગસ લાયસન્સ મુકી સિકયુરીટી કોન્ટ્રાકટ મેળવવાનો પ્રયાસ કરનારી ચાર એજન્સીઓને ડિસ્કવોલીફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આમ છતાં આ ચાર એજન્સીઓ સહીત કુલ ૧૫ એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે સિકયુરીટી,ગનમેન અને બાઉન્સર મળીને કુલ ૨૪૫૦ લોકોની એક વર્ષ માટે સેવા લેવા રુપિયા ૫૦ કરોડનો ખર્ચ કરાશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી છે. સિકયુરીટી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે કહયુ, હાલ આ મેટર સબજયુડીસ છે.મેટર સબજયુડીસ હોવા છતાં દરખાસ્ત મંજુર કરાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન એ લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડતી સંસ્થા છે. મહાનગર સેવાસદન જેવા રુપાળા બોર્ડ લગાવાયા છે.ગરીબ,સામાન્ય મધ્યમ વર્ગના લોકોથી લઈ ધનાઢય લોકો પણ તેમના કામ માટે કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં રોજબરોજ જતા હોય છે.સુરત ખાતે પાલિકાની મિલકતોની સલામતી માટે સિકયુરીટી સ્ટાફ પુરો પાડવા ૪૪ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ.આ ટેન્ડર મેળવવા લેબર વિભાગનુ બોગસ લાયસન્સ રજુ કરનારી ત્રણ એજન્સી સહીત ચારને ડિસ્કવોલીફાય કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરાઈ હતી. આ ઉપરાંત ત્રણ એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી.આ પૈકી એમ.કે.સિકયુરીટી, શકિત પ્રોટેકશન, શકિત સિકયુરીટી અને શિવ સિકયુરીટી સર્વિસે બનાવટી દસ્તાવેજો રજુ કરી લેબર લાયસન્સ મેળવ્યુ હતુ.સુરત કોર્પોરેશને એમ.કે., શકિત સિકયુરીટી અને શકિત પ્રોટેકશન ફોર્સના લાયસન્સ રદ કર્યા હતા.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ ૧૫ એજન્સી કવોલીફાય થઈ હોવા છતાં છ એજન્સીને ચિઠ્ઠી ઉછાળી કામ આપવાની દરખાસ્ત મંજુરી માટે મુકાઈ હતી. પાછળથી કમિટીએ તમામ ૧૫ એજન્સીને સરખાભાગે ગાર્ડ,બાઉન્સરની ફાળવણી કરવા સાથે દરખાસ્ત મંજુર કરી હતી. વિપક્ષનેતાએ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલી દરખાસ્તનો વિરોધ કરતા લોકોને કોર્પોરેશન સેવાથી વિમુખ કરવાનુ કૃત્ય ગણાવ્યુ છે.

કોર્પોરેશનમાં  દેખાવ કરવા લોકોના ટોળા આવે છે એટલે બાઉન્સર મુકવા પડે છે,સ્ટેન્ડિંગ ચેરમેન

મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના સી-બ્લોકમાં અવારનવાર વિવિધ પ્રશ્નોને લઈ દેખાવ કરવા લોકોના ટોળાં આવતા હોવાથી પ્રવેશદ્વાર ઉપર બાઉન્સર મુકવા પડતા હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ મિડીયા સમક્ષ કહયુ હતુ.

સિકયુરીટી એજન્સીઓને છ કરોડથી વધુની પેનલ્ટી કરાઈ હતી

કોર્પોરેશનના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વિવિધ સિકયુરીટી એજન્સીઓને રુપિયા છ કરોડથી વધુની પેનલ્ટી કરી હતી.જેની વિગત આ મુજબ છે.

નામ    પેનલ્ટી(લાખમાં)

એસ્કોર્ટ ૩૨૭૬૦૦

શિવ  ૯૯૬૦૦૦

ડોકસન્સ ૬૮૦૪૦૦

શકિત  ૨૭૩૦૦૦

રાજપૂત ૭૧૬૪૦૦

એમકે  ૬૨૭૬૦૦

યુનિક ૪૬૮૬૦૦

શકિત પ્રોટેકશન ૪૩૨૦૦૦

પેન્થર        ૩૯૦૦૦૦

ગુજરાત    ૮૦૪૬૦૦

પરફેકટ   ૬૦૭૨૦૦

બાલાજી  ૪૪૫૮૦૦

કુલ     ૬૭૬૯૨૦૦

Tags :