ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી
ગત વર્ષે શહેરના ૧૮ સ્થળે ૯૫ દિવસ શોપિંગ ફેસ્ટિવલ યોજવા ૧૬ કરોડ ખર્ચાયા હતા
અમદાવાદ,શુક્રવાર,26 સપ્ટેમબર,2025
વર્ષ-૨૦૨૪માં ૧૨ ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અને રાજય સરકારે સંયુકત રીતે શહેરના અલગ અલગ ૧૮ સ્થળે ૯૫ દિવસ શોપિંગ ફેસ્ટિવલ
યોજયો હતો.સ્ટોલના ઉંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ પછી પણ
ઉંચી કિંમતોના કારણે ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી. ગત વર્ષની નિષ્ફળતા છતા આ વર્ષે ૧૨ ડિસેમ્બર-૨૫થી ૧૩ જાન્યુઆરી-૨૬
સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી અપાઈ છે.
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શોપિંગ ફેસ્ટિવલ યોજવા અને
તે પાછળ થનારા ખર્ચને લઈ અત્યારથી મંજૂરી આપી દીધી છે.પરંતુ મંજૂરી આપનારા
કોર્પોરેશનના સત્તાધીશોને એ યાદ નહીં હોય કે ગત વર્ષે કોર્પોરેશન દ્વારા એક સ્ટોલ
દીઠ પ્રતિ દિન અંદાજે રુપિયા ૩ હજારથી ૩૫૦૦ સુધીનુ ભાડુ વસૂલાયુ હતુ. ઉપરાંત
મોટાભાગના સ્ટોલ ધારકો પાસેથી કોર્પોરેશને એડવાન્સ રુપિયા ત્રણ લાખ ભાડુ વસૂલી
લીધુ હતુ જેની સામે વેપારીઓને ભાડા જેટલી પણ કમાણી નહી થતા ૭૦થી ૮૦ ટકા સ્ટોલ બંધ
થઈ ગયા હતા.સિંધુભવન રોડ ઉપરાંત નિકોલ,સી.જી.રોડ
અને મણિનગરમા શરુ કરવામા આવેલા શોપિંગ ફેસ્ટિવલના મોટાભાગના સ્ટોલના પડદા પડી ગયા
હતા.સિંધુ ભવન અને લો-ગાર્ડન વિસ્તારમાં પણ સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ કરવા પડયા હતા.
વર્ષ-૨૦૨૪માં વેપારીઓની સંખ્યા ઘટીને ૬૦૯ થઈ ગઈ
રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-૨૦૧૯થી
દિવાળીના તહેવારમાં આ પ્રકારે શોપિંગ ફેસ્ટિવલ યોજવા કરોડો રુપિયા ખર્ચ કરી રહયા
છે.પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. વર્ષ-૨૦૧૯માં આ શોપિંગ ફેસ્ટિવલની શરુઆત
થઈ તે સમયે ૧૭ હજાર વેપારીઓ જોડાયા હતા.વર્ષ-૨૦૨૪માં
વેપારીઓની સંખ્યા ઘટીને ૬૦૯ થઈ ગઈ હતી.