Gujarat

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી

By GS TEAM
7 Apr 20262 mins read
૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી

અમદાવાદ,સોમવાર, 6 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે ભાજપે ૧૦૦થી વધુ સિનિયર નેતાની ટિકીટ કાપી હતી.આમ છતાં શહેરના ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં આખી પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી હતી. ચાર વોર્ડમાં કોંગ્રેસની જયારે એક વોર્ડમાં એઆઈએમઆઈએમની  પેનલ જીતી હતી. ચાર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની પેનલ તૂટી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૮૭માં ભાજપ પહેલી વખત સત્તા સ્થાને આવ્યો હતો.જે પછી વર્ષ-૧૯૯૨માં બાબરી ધ્વંશની ઘટના અને એ સમયની સ્થિતિ અને સંજોગોને ધ્યાનમા લઈ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. વહીવટદારના શાસન પછી વર્ષ-૧૯૯૫થી વર્ષ-૨૦૨૧ સુધી યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યારસુધીની ચૂંટણીમાં વર્ષ-૨૦૦૦થી વર્ષ-૨૦૦૫ સુધીના પાંચ વર્ષના કોંગ્રેસના શાસનને બાદ કરતા ભાજપ જ સત્તા સ્થાને આવ્યુ છે.આ પાછળનુ મુખ્ય કારણ નો રીપીટ થિયરી હોવાનુ ખુદ પક્ષના જ નેતાઓ કહી રહયા છે. શહેરના કોટ વિસ્તારના અમુક વોર્ડ, દક્ષિણ ઝોનના બે વોર્ડ અને પૂર્વઝોનના બે વોર્ડ સિવાય વિપક્ષના કોર્પોરેટરોને ચૂંટાઈ આવવુ એ પણ એક  સ્વપન સમાન છે.પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડ માટે તો કોંગ્રેસને ઉમેદવાર શોધવા પણ ફાંફા પડી રહયા છે.ગત ચૂંટણીમાં દરિયાપુર,દાણીલીમડા,ગોમતીપુર અને બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી હતી.પરંતુ તેમા પણ બહેરામપુરા વોર્ડમાં બે ઉમેદવાર ખુબ ઓછી સરસાઈથી જીતી શકયા હતા.જમાલપુર વોર્ડમા એઆઈએમઆઈએમની પેનલ ગત ચૂંટણીમાં જીતી હતી.

સૌથી વધુ મત વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરોએ મેળવ્યા હતા

વર્ષ-૨૦૨૧ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વસ્ત્રાલ વોર્ડમાંથી ભાજપે જેમને ટિકીટ આપી હતી તેવા પૂર્વ કોર્પોરેટર અનિરૃધ્ધસિંહ ઝાલાને સૌથી વધુ ૩૫૧૪૨, ગીતાબેન પટેલને ૩૩૩૨૮ તથા ચંદ્રીકા પટેલને ૩૩૨૬૦ મત મળ્યા હતા.

ગોમતીપુર-જમાલપુર વોર્ડમાં ચૂંટણી સમીકરણ બદલાશે

ગોમતીપુર વોર્ડમાંથી પાંચ ટર્મથી ચૂંટાઈને કોર્પોરેટર બનતા ઈકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.મોટેભાગે તે એઆઈએમઆઈએમ તરફથી ગોમતીપુર વોર્ડમાંથી ચૂંટણી લડશે. ગોમતીપુર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત એઆઈએમઆઈએમ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નિશ્ચિત છે. જયારે જમાલપુર વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ રાજીનામુ આપ્યુ છે. આ ઉપરાંત હજુ બે પૂર્વ કોર્પોરેટર રાજીનામા આપે એવી પ્રબળ સંભાવના છે. આ પરિસ્થિતિમા આ વોર્ડમા પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે.