વરસાદનો વિરામ છતાં 6 સ્ટેટ હાઈવે તથા ગ્રામ્ય વિસ્તારના 52 રસ્તાઓ હજુપણ બંધ

- ભાવનગર-અમદાવાદ વાયા બરવાળા, ધંધુકા સ્ટેટ હાઈવે હજુપણ બંધ
- માર્ગ-મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી 8 સ્ટેટ હાઈવે તથા એપ્રોચ રોડ તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતાં 35 રસ્તાઓ પર વ્યવહાર પૂર્વવત કર્યો
ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલાં ભારે વરસાદના કારણે બન્ને જિલ્લાને જોડતાં અને બન્ને જિલ્લાની હદમાં આવતાં ૧૪ હાઈવે અને એપ્રોચ રોડ પર પાણી ફરી વળ્યા હતા. એ જ રીતે ભાવનગર તથા બોટાદ જિલ્લાને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતાં ૮૭ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતાં તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. અને તમામ રૂટ પર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. આજે સવારથી જ વરસાદે વિરામ લેતાં રાજ્ય અને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ મકાન વિભાગે સયુંક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. જેમાં પાણી ઓસરતાં ૧૪ પૈકી ૮ સ્ટેટ હાઈવે તથા એપ્રોચ રોડ પર રિપેરિંગ, સફાઈ કામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે જયારે, ભાવનગરથી અમદાવાદ વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકાને જોડતા મુખ્ય હાઈવે સહિત કુલ ૬ સ્ટેટ હાઈવે હજુ પણ બંધ હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ઉપરાંત, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતાં ૮૭ આંતરિક રસ્તાઓ બંધ હતા. જે પૈકી જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે સ્થળ પર યુદ્ધના ધોેરણે સમારકામ હાથ ધરી ઉમરાળા તાલુકાના ૯, તળાજાના પાંચ, પાલિતાણાના ત્રણ, મહુવાના આછ, વલ્લ્ભીપુરના સાત, સિહોરના ૪ તથા ગારિયાધાર તાલુકાનો એક રસ્તો શરૂ કર્યો છે. જો કે, વરસાદના વિરામ છતાં રસ્તા પરથી પાણી ન ઉતરવાથી લઈ રસ્તાના ધોવાણ સહિતના પ્રશ્નોના કારણે હજુ પણ જિલ્લાના ૫૨ અંતરિયાળ રસ્તાઓ બંધ છે. જે સંભવત : આવતીકાલ ગુરૂવાર સુધીમાં શરૂ થઈ જશે તેમ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.
આ 8 સ્ટેટ હાઈવે, એપ્રોચ રોડ શરૂ કરાયા
ભારે વરસાદના કારણે બંધ થયેલાં ૧૪ સ્ટેટ હાઈવે, એપ્રોચ રોડ પૈકી આજે રાજ્યના માર્ગમકાન વિભાગે પાલિતાણા-દિહોર રોડ વાયા પીંગળી અને પાલિતાણા-પીંગળી વાયા પાલિતાણા સેકશન, ઉમરાળા-સોનગઢ રોડ, વલ્લભીપુર-સિયાનગર વાયા પચ્છેગામ, ગઢડા-અડતાળા વાયા ધોળા રોડ, ઠાડચ- બગદાણા રોડ, ઉમરાળા-ચમારડી રોડ, નવાગામ-ભડભીડ રોડ વાયા ઈટાળિયા તથા વલ્લભીપુર- આનંદનગર રોડને જોડતાં સ્ટેટ હાઈવે એપ્રોચ રોડને પૂર્વ વત કર્યો હતો. અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.
આ છ સ્ટેટ હાઈવે એપ્રોચ રોડ હજુ પણ બંધ
ભારે વરસાદના કારણે ભાવનગર-બોટાદને જોડતાં ૬ સ્ટેટ હાઈવે, એપ્રોચ રોડ હજુ પણ બંધ છે જેમાં ભાવનગર-અમદાવાદ સ્ટેટ હાઈવે વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ઉપરાંત પાલિતાણા-કનડા રોડ વાયા વીરપુર, ઈટાળિયા- અધેળાઈ રોડ, રામપર પીપળી- હળિયાદ રોડ, નોંઘણવદર-દુધાળા રોડ તથા મોટી વાવડી -ભટ્ટવદર રોડ વાયા ભમ્મરિયા સ્ટેટ હાઈવે,એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.
એક સાથે બે કામ : રસ્તાઓના સર્વે સાથે સમારકામ શરૂ
સ્ટેટ અને પંચાયત હસ્તકના માર્ગ મકાન વિભાગે વરસાદ બાદ શરૂ કરેલાં રસ્તાઓના કામમાં બેવડી કામગીરી શરૂ કરી છે જેમાં એક ટીમ વરસાદ, પૂર, પાણીના પ્રવાહના કારણે ધોવાઈ ગયેલાં રસ્તાઓનો સર્વે કરી રહ્યું છે. તો અન્ય એક ટીમ એ જ રસ્તાનું સમારકામ શરૂ કરે છે. બેવડી કામગીરીના કારણે સમય અને નાણાંની બચત થતી હોવાની સૂત્રોએ વિગત આપી હતી. જયારે, આ કામગીરીના કારણે જ આજે ૪૦ ટકાથી વધુ કામગીરી થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.









