Gujarat

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો

By GS TEAM
30 Oct 20251 min read
કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો

  અમદાવાદ,ગુરુવાર,30 ઓકટોબર,2025

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશનની અસરના કારણે ગુરૃવારે સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.આકાશમાં છવાયેલા કાળા ડીબાંગ વાદળોને કારણે ધોધમાર વરસાદ વરસી પડશે એવી આશા ઠગારી નિવડી હતી. વહેતા થયેલા ઠંડા પવન વચ્ચે વરસી રહેલા વરસાદના કારણે વિઝીબીલીટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો મુશ્કેલીમા જોવા મળ્યા હતા.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૩.૪૯ મિલીમીટર વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ ૪૩.૬૦ ઈંચ થવા પામ્યો હતો.

દિવાળી પર્વ પછી પણ શહેરમા મેઘરાજાની કૃપા યથાવત જોવા મળી રહી છે.ગુરૃવારે શહેરના તમામ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.પરંતુ નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ રાત સુધી નોંધાયો નહોતો.ચાંદખેડા અને બોડકદેવ વોર્ડમાં ૭-૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.ઓગણજમાં ૧૨ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.હંસપુરા વિસ્તારમાં ૧૧ મિલીમીટર, કોતરપુરમાં ૧૦ જયારે નરોડામા ૯ મિલીમીટર વરસાદ પડયો હતો.દિવસભર સારા વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનોને માત્ર હળવા વરસાદથી સંતોષ માનવો પડયો હતો.

સાબરમતી નદીમાં ૧૬૪૪ કયુસેક પાણી છોડાયું

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ૧૬૪૪ કયૂસેક પાણી છોડવામા આવતા અમદાવાદ સિંચાઈ વર્તુળ દ્વારા અસરગ્રસ્ત ગામોમા સલામતીના યોગ્ય પગલા લેવા સંબંધિત તંત્રને જાણ કરાઈ હતી.રાતે ૮ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૬.૨૫ ફુટ નોંધાયુ હતુ.સંત સરોવરમાંથી ૧૩૬૨ કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમા ૧૬૪૪ કયુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના બે ગેટ એક ફુટ ખોલાયા હતા.