ખાડાનગરી બનાવી દેવાયેલા ગાંધીનગરના રહીશોની પીડા કોઈને
સંભળાતી નથી
ગુણવત્તા વગરનું કામ કરનાર મુંબઈની ખિલારી ઈન્ફ્રા એજન્સીનો કાન આંબળવા સરકાર પણ તૈયાર નથી ઃ સરકારના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે રહિશોની ખો
ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે ૫૦ વર્ષ અગાઉ ગટર
લાઈન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ સેક્ટરોમાં ગટરો ઉભરાવવાની વ્યાપક
ફરિયાદોના પગલે મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગટર લાઈનના
નેટવર્કને જ બદલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના પગલે ગુજરાત સરકારના
માર્ગ મકાન વિભાગ હસ્તક આવતા પાટનગર યોજના વિભાગને આ ગટર લાઈન બદલવા માટેની
કામગીરી કરવા નિયત કરવામાં આવી હતી ટેન્ડર પ્રક્રિયાને અંતે મુંબઈની ખિલારી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આ કામ વર્ષ ૨૦૨૨માં આપવામાં આવ્યું હતું. જોકે ૨૦૨૪ના
ડિસેમ્બર સુધીમાં સમગ્ર ગાંધીનગરમાં કામગીરી પૂર્ણ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં
આવી હતી પરંતુ નબળી ગુણવત્તાનું કામ કરનાર અને ફક્ત મજૂરોના હવાલે સમગ્ર
પ્રોજેક્ટને મૂકી દેનાર એજન્સીને ત્રણ ત્રણ વખત મુદત વધારી આપવામાં આવી હતી.
૨૦૨૪ને બદલે હવે ૨૦૨૬ પણ શરૃ થઈ ગયું છે તેમ છતાં એજન્સી દ્વારા ગાંધીનગરમાં
કામગીરી પૂરી કરવામાં આવી નથી. એટલું જ નહીં સેક્ટરોમાં ખોદકામ બાદ યોગ્ય પુરાણ
નહીં કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ વ્યાપક બની છે. મહાનગરપાલિકા દ્વારા આ
સંદર્ભે સરકારને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી આ
એજન્સી સામે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. મુંબઈની આ એજન્સી ગાંધીનગર જ નહીં
પરંતુ અમદાવાદમાં પણ મોટા કામ કરી રહી છે તેમછતાં સુપર વિઝનના અભાવે નબળી
ગુણવત્તાનું કામ કરવા છતાં તેનો કાન આંબળવાની હિંમત કોઈ દાખવતું નથી. હાલ તો
છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગરના નાગરિકો સ્માર્ટ સિટી બનેલા ગાંધીનગરને ખાડા નગરી
તરીકે ઓળખાવી રહ્યા છે.


