Gujarat

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર્ડિંગ્સનું સામ્રાજ્ય યથાવત

By GS TEAM
3 Jun 20262 mins read
TukuTouch Logo
પર્યાવરણ સંરક્ષણના દાવા વચ્ચે વૃક્ષોને ખીલા મારી જાહેરાતો, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા સામે કડક પગલાંનો અભાવ : પાલિકાએ 6,038 ગેરકાયદે જાહેરાતના બોર્ડ હટાવ્યા પણ આના કરતા અનેકગણા બોર્ડ હજી યથાવત

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર્ડિંગ્સનું સામ્રાજ્ય યથાવત

Surat : સુરત મહાનગરપાલિકા ગેરકાયદે જાહેરાત સામે કડક કાર્યવાહીના દાવા કરી રહી છે પાલિકાએ 6,038 ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનર દૂર કરીને 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ કર્યો છતાં ગેરકાયદે હોર્ડિંગ્સ બેનર લગાવનારાઓને પાલિકાનો કોઈ ડર ન હોય તેમ હજી પણ શહેરમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરનું જંગલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સુરતમાં હજારો વૃક્ષ પર ખીલા લગાવી વૃક્ષને નુકસાન પહોંચાડી જાહેરાત લગાવવામાં આવી રહી છે. આવા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરવા માટેની માંગણી લોકો કરી રહ્યા છે. 

સુરત પાલિકા દ્વારા સ્વચ્છતા સાથે સુરતની સુંદરતા વધે તે માટે ગેરકાયદે હોર્ડિગ્સ અને બેનર દુર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં 6,038 વિવિધ પ્રકારની ગેરકાયદે જાહેરાતના માધ્યમો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી સાથે પાલિકાએ 21,717 ચો.ફુટ વિસ્તાર ગેરકાયદે જાહેરાતથી દુર કર્યા છે. પાલિકાનો આ પ્રયાસ સારો છે પરંતુ પાશેરામાં પહેલી પૂણી જેવો ઘાટ છે. પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે હોર્ડિગ્સ-બેનર લગાવનારા સામે અત્યાર સુધીમાં 24 પોલીસ ફરિયાદ કરી છે તેમ છતાં હજી પણ ગેરકાયદે જાહેરાત કરનારાને પાલિકા તંત્રનો કોઈ ડર રહ્યો છે. 

સુરત પાલિકાએ કામગીરી કરી હોવા છતાં હજી પણ શહેરના મુખ્ય માર્ગો, ફ્લાયઓવર, ટ્રાફિક સર્કલ તેમજ વ્યસ્ત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતા હોર્ડિંગ્સ અને બેનરોની માયાજાળ જોવા મળી રહી છે. રાજકીય કાર્યક્રમ, સામાજિક પ્રસંગો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને વિવિધ વેપારી સંસ્થા દ્વારા નિયમોની અવગણના કરીને જાહેર સ્થળોનો જાહેરાત માટે બેફામ ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે શહેરની સુંદરતામાં ઘટાડો થઈ રહ્યો છે. 

એક તરફ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના અભિયાન ચલાવે છે, જ્યારે બીજી તરફ શહેરના સંખ્યાબંધ વૃક્ષોને ખીલા મારી, તાર બાંધી અને બેનરો લટકાવી ગેરકાયદે જાહેરાત કરવામાં આવી રહી છે. આવા કૃત્યોથી વૃક્ષોના થડને નુકસાન પહોંચે છે. પર્યાવરણ સંરક્ષણની મોટી મોટી વાતો વચ્ચે વૃક્ષોને નુકશાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી ન થતી હોવાને અનેક લોકો વૃક્ષોને નુકશાન પહોંચાડી ગેરકાયદે જાહેરાત કરી રહ્યાં છે. 

પર્યાવરણ પ્રેમીઓ અને સુરતીઓનું માનવું છે કે માત્ર બોર્ડ દૂર કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. ગેરકાયદે જાહેરાતો લગાવનાર વ્યક્તિઓ, એજન્સીઓ, સંસ્થાઓ તેમજ રાજકીય અને સામાજિક સંગઠનો સામે આકરા દંડ, પોલીસ કાર્યવાહી અને ખર્ચની વસૂલાત જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ શહેરને ગેરકાયદે બેનરોના જંગલમાંથી મુક્તિ મળી શકશે.