શરદી,ખાંસી,વાઈરલ ફીવરના સંખ્યાબંધ કેસ છતાં મ્યુનિ.ના ચોપડે મેલેરિયાના ૨૫,ડેન્ગ્યૂના ૧૯ કેસ જ નોંધાયા

અમદાવાદ,મંગળવાર,11 નવેમ્બર,2025
અમદાવાદમા હાલ બે ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે.દિવસે
ગરમી અને સાંજ પછી વહેતા ઠંડા પવનના કારણે શરદી,ખાંસી,વાઈરલ
ફીવરના સંખ્યાબંધ કેસ શહેરના વિવિધ ખાનગી દવાખાના અને હોસ્પિટલમાં નોંધાઈ રહયા છે.
આમ છતાં કોર્પોરેશનના હેલ્થ વિભાગના ચોપડે નવેમ્બરના નવ દિવસમાં મેલેરિયાના ૨૫ તથા
ડેન્ગ્યૂના ૧૯ કેસ જ નોંધાયા છે. મ્યુનિસિપલ કમિશનરે રોગચાળાના સાચા આંકડા રજૂ
કરવા સુચના આપી છે.આમ છતાં આંકડા છુપાવાઈ રહયા છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના દાવા મુજબ નવ નવેમ્બર સુધીમા
શહેરમાં ઝેરી મેલેરિયાના છ કેસ નોંધાયા હતા.ચિકનગુનિયાનો હજી સુધી એક પણ કેસ
નોંધાયો હોવાનુ દર્શાવાયુ નથી.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૮૩,ટાઈફોઈડના ૫૫ તથા
કમળાના ૩૭ કેસ નવ દિવસમા નોંધાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતા પાણી
સપ્લાયના સેમ્પલ તપાસ માટે લેવામા આવે છે. આ પૈકી નવ સેમ્પલમા કલોરીન રીપોર્ટ નીલ
આવ્યો હતો.જયારે બે સેમ્પલ પીવા માટે લાયક નહોતા એટલે કે અનફીટ જાહેર કરવામા આવ્યા
છે.શહેરીજનોના જાહેર આરોગ્યના હીતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસની સાચી
સંખ્યા ફરી છુપાવાઈ છે.
મચ્છરનુ બ્રિડીંગ મળતા જલારામ પરોઠા સહિત ચાર એકમ સીલ
અમદાવાદમા મચ્છરજન્ય રોગના કેસને
નિયંત્રિત કરવા હેલ્થ-મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરના બ્રિડીંગ મળી આવે તે એકમને
સીલ કરવાની કાર્યવાહી કરાય છે. સરદારનગર વોર્ડમાં જલારામ પરોઠા હાઉસ, થલતેજમાં ઓર્ચિડ
ફીંશબેરી,સરખેજમાં
એમ એમ હડીયાપલ તથા વટવામા કર્ણાવતી-૮ સાઈટ સીલ કરાઈ છે.એક સપ્તાહમાં ૬૧૬ એકમને
નોટિસ આપી રુપિયા છ લાખ વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.









