Get The App

પંદર દિવસમાં માહિતી મળી નહીં હોવા છતાં પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના ખર્ચે સિમેન્ટના રોડ બનાવવા મંજૂરી

અંદાજ રુપિયા ૬૦ કરોડનો હતો, ૧૫.૬૦ કરોડ વધુ ચૂકવાશે, વાર્ષિક ટેન્ડર હોવાનો ચેરમેને પાંગળો બચાવ કરવાની ફરજ પડી

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
પંદર  દિવસમાં માહિતી મળી નહીં હોવા છતાં પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના ખર્ચે સિમેન્ટના રોડ બનાવવા મંજૂરી 1 - image


અમદાવાદ,શનિવાર,9 ઓગસ્ટ,2025

અમદાવાદ પશ્ચિમના પાલડી,વાસણા,નારણપુરા,નવરંગપુરા સહીતના વોર્ડમાં રુપિયા ૭૫.૯૦ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસને સિમેન્ટના રોડ બનાવવા આપવાની દરખાસ્ત અગાઉ મોકૂફ રખાઈ હતી. આ દરખાસ્ત શુક્રવારે રોડ કમિટીની બેઠકમાં મંજૂર કરાઈ હતી.શહેરમાં અત્યાર સુધીમાં સિમેન્ટના રોડ કેટલા બન્યા,કેટલા બાકી છે.ઉપરાંત કેટલો ખર્ચ કરાયો એ અંગેની માહિતી પંદર દિવસમાં કોર્પોરેશનના અધિકારીઓએ આપી નહીં હોવા છતાં અંદાજથી વધુ રુપિયા ૧૫.૬૦ કરોડ વધુ  કોન્ટ્રાકટરને સિમેન્ટના રોડ બનાવવા ચૂકવાશે.ચેરમેન જયેશ પટેલે પાંગળો બચાવ કરતા કહયુ, આ વાર્ષિક ટેન્ડર છે.વારેવારે ટેન્ડર કરવા ના પડે એ માટે ટેન્ડર મંજૂર કરાયુ છે.

છેલ્લા ત્રણ વર્ષથી કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનો શહેરના વિવિધ વોર્ડમાં સિમેન્ટના રોડ બનાવવા તરફનો વધુ પડતો ઝુકાવ જોવા મળી રહયો છે.પ્રથમ ગ્રાસે મક્ષિકાની ઉકિત મુજબ, વર્ષ-૨૦૨૧-૨૨માં ગુરુકુળ અને જોધપુર વિસ્તારમાં રુપિયા ૧૧ -૧૧ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર બી.આર.ગોયેલ દ્વારા બનાવવામા આવેલા સિમેન્ટના રોડ તોડવા પડયા હતા.છ મહીના અગાઉ વાડજમાં બનાવવામા આવેલા સિમેન્ટના રોડ ઉપર ખાડા પડતા કોન્ટ્રાકટર પાસે ખાડા પુરાવાયા હતા. એક પણ સિમેન્ટનો રોડ નહીં તૂટે એવા દાવા પોકળ પુરવાર થયા છે. આમ છતાં શુક્રવારે મળેલી રોડ કમિટીની બેઠકમાં કોન્ટ્રાકટરના રુપિયા ૭૫.૬૦ કરોડના જી.એસ.ટી. અલગથી ચૂકવવાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે.કમિટી ચેરમેને બચાવ કરતા કહયુ, આ ટેન્ડરમાં પાંચ વર્ષનો ડીફેકટ લાયાબીલીટી પિરીયડ રાખવામા આવ્યો છે.આ રોડની કામગીરીમાં રોડમા ચોરસ બોકસ બનાવવામા આવે છે.રોડમા કોઈ ક્ષતિ ઉભી થાય તો તે વખતે ચોરસ બોકસ જેટલા ભાગને તોડી ક્ષતિ દુર કરી રોડને રીપેર કરી શકાય છે.પશ્ચિમ ઝોનમા આ વર્ષે રસ્તા રીસરફેસ કરવા તથા સિમેન્ટના રોડ બનાવવાની કામગીરી આ ટેન્ડરથી કરાશે.

સિમેન્ટના રોડ બનાવવા અત્યારસુધીમાં કોન્ટ્રાકટરોને ચૂકવાયેલી રકમ

નામ            ચૂકવાયેલી રકમ(કરોડમાં)

મારુતી કન્સ્ટ્રકશન      ૪૩.૦૭

બી.આર.ગોયેલ        ૪૪.૩૧

વિજય ઈન્ફ્રા સ્પેસ      ૨૬.૦૦

કોન્ટ્રાકટરોએ ઝોન-વિસ્તાર વહેંચી લીધા છે

કોર્પોરેશન દ્વારા અપાતા સિમેન્ટના રોડની કામગીરી લેવા કોન્ટ્રાકટરોએ ઝોન-વિસ્તાર વહેંચી લીધા છે. મારુતી કન્સ્ટ્રકશનને લાંભા અને ખોખરા વોર્ડમાં ૬૪૦૦ મીટર લંબાઈના સિમેન્ટના રોડ બનાવવા કોર્પોરેશને રુપિયા ૨૮.૬૭ કરોડ ચૂકવ્યા છે. બી.આર.ગોયેલને થલતેજ, ઈન્ડિયાકોલોની, ઈસનપુર ઉપરાંત ઘાટલોડીયા વોર્ડમાં ૮૩૮૦ મીટર લંબાઈના સિમેન્ટના રોડ બનાવવા રુપિયા ૩૭.૩૧ કરોડ ચૂકવાયા છે.  મારુતી કન્સ્ટ્રકશનને ભાઈપુરા અને ઓઢવ વોર્ડમાં ૩૦૬૫ મીટર લંબાઈના સિમેન્ટના રોડ બનાવવા માટે રુપિયા ૧૪.૪૦ કરોડ ચૂકવાયા છે.

Tags :