Gujarat

નવ વર્ષથી મંજૂરી મળતી નથી આમ છતાં ભાજપના શાસકોનો સ્લજ રેડિયેશન પ્લાન્ટ ચાલુ રાખવા વિવાદી નિર્ણય

By GS TEAM
28 Nov 20252 mins read
નવ વર્ષથી મંજૂરી મળતી નથી આમ છતાં ભાજપના શાસકોનો સ્લજ રેડિયેશન પ્લાન્ટ ચાલુ રાખવા વિવાદી નિર્ણય

અમદાવાદ,શુક્રવાર,28 નવેમ્બર,2025

વર્ષ-૨૦૧૬માં પીરાણા ખાતે ૧૫૦૦ કે.સી.આઈ ગામા રેડિયેશન સ્લજ હાઈજીનાઈઝેશન પ્લાન્ટ કોર્પોરેશન દ્વારા બનાવાયો હતો. દૈનિક ૧૦૦ ટન ખાતર સ્લજમાંથી બનાવી તેને ઓપન માર્કેટમાં વેચવાનો શરુઆતથી વિરોધ કરાયો હતો. આ ખાતર ઉપયોગમા લેવાય તો ઘાતક સાબિત થઈ શકે એવા તારણો છતાં ભાજપના શાસકોએ આ સ્લજ રેડિયેશન પ્લાન્ટ ચાલુ રાખવા વિવાદી નિર્ણય કર્યો છે. પાણી સમિતિની બેઠકમાં આ પ્લાન્ટને વધુ એક વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે પીનાકલ થેરા પ્યુટીકસ પ્રા.લી.ને આપવામા આવ્યુ છે.ચેરમેને કહયુ, આ પ્લાન્ટને ધીમે ધીમે બંધ કરાશે પરંતુ ત્યાં સુધી એજન્સીને તો એક વર્ષના રુપિયા એક કરોડ ચૂકવાશે.

શહેરના વિકાસના નામે સત્તાપક્ષ દ્વારા કરવામા આવતા નિર્ણય આડેધડ કરવામા આવતા હોય તેમ જોવા મળે છે. આઠ વર્ષ પહેલા જે સમયે શહેરમાં સ્લજમાંથી ખાતર બનાવવાનો નિર્ણય કરાયો એ સમયના ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેશનના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય કોઈ અધિકારીઓએ એટલો પણ વિચાર કર્યો નહોતો કે અમે આ લોકોના ટેકસના નાણાંમાંથી ૨૫ કરોડનુ આંધણ કરી રહયા છીએ.એના શહેરીજનોને કેવા પરિણામ મળશે.કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ, સ્લજમાંથી તૈયાર કરાતા ખાતર અને તેના ઓપન માર્કેટમાં વેચાણને લઈ કોઈ જોગવાઈ નથી. આમ છતાં ભાજપના નેતાઓએ તેમના મળતીયાઓને લાભ ખટાવવા માટે થઈ પ્લાન્ટ ઉભો કરી દીધો એમના દાવા મુજબ, પ્લાન્ટમાં પ્રોડકશન ચાલે છે.કેટલુ એ તેમને ખબર નથી.પાણી સમિતિની અગાઉની બેઠકમાં આ પ્લાન્ટની દરખાસ્ત અનિર્ણિત રખાઈ એ વખતે એમ મનાતુ હતુ કે, આ પ્લાન્ટ બંધ કરવા કમિટી નિર્ણય કરશે. છતાં એજન્સીને લાભ ખટાવવા ફરી દરખાસ્ત મંજુર કરાઈ છે.

ભાજપના કમિટી ચેરમેનો નેતાઓના ઈશારે દરખાસ્ત મંજુર કરે છે

મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની પુરી થવા આવેલી અઢી વર્ષની ટર્મમાં ૧૩ પૈકી એક પણ કમિટીના ચેરમેન એવા નથી કે જે એજન્ડા ઉપર મંજુરી માટે મુકાતી અને મંજુર થતી દરખાસ્તો કયા કારણથી તેમણે મંજુર કરી એ અંગે કોઈ ચોકકસ જવાબ આપી શકે. આ ચેરમેનો તો ચોખ્ખુ કહે છે, અમને તો અમારા નેતા કહે એટલે અમારે દરખાસ્ત મંજુર કરવી પડે.આ હાલત છે શિસ્તબદ્ધ એવા રાષ્ટ્રીય પક્ષની.