ઈંધણની અછતની અફવાની અસર રાજકોટમાં પણ પડી : પેટ્રોલ- ડિઝલના વિકલ્પરૂપે ઈલે. વ્હીકલનો 'પાવર' જોરમાં: પખવાડિયામાં ઈલેક્ટ્રિક ટુ- વ્હીલરની ઈન્ક્વાયરી વધી
રાજકોટ, : મધ્યપૂર્વમાં ચાલતા યુધ્ધની અસરને કારણે પેટ્રોલ, ડિઝલની અછત સર્જાવાની અફવા ફેલાતી રહે છે. યુધ્ધ સમાપ્ત થવાના પણ કોઈ એંધાણ વર્તાતા નથી ત્યારે ભારત સરકારે હાલ તો પેટ્રોલ ડિઝલ પરની એકસાઈઝ ડયુટી ઘટાડીને વાહન ચાલકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ઘણાં લોકોને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થઈ શકે છે. આ સંજોગોમાં, ભવિષ્યની ચિંતાને લઈને લોકો હવે ખૂબ ઝડપથી ઈલેકટ્રીક વ્હીકલો તરફ વળી રહ્યા છે. આ અગાઉ કયારેય જોવા ન મળી હોય તેવી ઈન્કવાયરી ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈ.વી.)ને લઈને નીકળી છે, સરકાર પણ લોકોને ઈ.વી. તરફ વધુને વધુ વળે તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલના વેંચાણમાં પણ અગાઉ કરતાં ખૂબ ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે.
મોંઘા ઈંધણ અને ભવિષ્યની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવા વિકલ્પો શોધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યની વિવિધ ડિલરશિપ પર ઈલેક્ટ્રિક વાહનો માટેની પૂછપરછમાં 200થી 300 ટકા સુધીનો અભૂતપૂર્વ વધારો થયો છે. જોકે વેચાણના આંકડા મુજબ વેંચાણમાં 111 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2025 અને 2026 વચ્ચેના આંકડાની સરખામણી કરતા જણાય છે કે ઈવી સેક્ટરમાં ગ્રોથ ડબલ થયો છે. માર્ચ 2025માં ગુજરાતમાં કુલ 5,271 ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જે આ વર્ષે એટલે કે માર્ચ 2026માં વધીને 11,126 પર પહોંચ્યા છે.


