ઇન્દ્રોડા ગામમાં બે પ્રાથમિક શાળા હોવા છતાં રમતનું મેદાન જ નથી

પાટનગર ગાંધીનગરમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન
શહેરની રચના માટે કિંમતી જમીન આપી દેનાર ખેડૂતોના બાળકો માટે સુવિધા ઉભી કરવા માર્ગ મકાન સચિવને રજૂઆત
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ઇન્દ્રોડા ગામમાં બે પ્રાથમિક શાળા હોવા છતાં ગામમાં રમતગમતનું મેદાન જ નથી. જે જગ્યા ઉપર બાળકો રમતા હતા ત્યાં હાલ બાંધકામ થઈ રહ્યું છે. જેથી આ જગ્યા રમતગમતના મેદાન માટે ફાળવવા માટે ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરની રચના થઈ ત્યારે આસપાસના ગામોની જમીન સંપાદિત કરીને શહેર વસાવવામાં આવ્યું હતું પરંતુ શહેર આસપાસના ગામોમાં હજી જોઈએ તે પ્રકારે સુવિધાઓ પહોંચી નથી ત્યારે ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગના સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, અગાઉ પણ ઇન્દ્રોડા ગામમાં રમત ગમતના મેદાન માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છ વર્ષ બાદ પણ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંડળ દ્વારા જણાવ્યું હતું કે, પાણીના ભાવે ખેતીની જમીન સંપાદિત કરીને વસાવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરના પ્રત્યેક સેક્ટરમાં મેદાનોની સાથે કોમન પ્લોટ પણ આપવામાં આવ્યા છે પરંતુ રચના માટે જમીન આપી દેનાર ગામોને ઉપેક્ષિત જ રાખવામાં આવ્યા છે. ઇન્દ્રોડા ગામમાં બે પ્રાથમિક શાળા હોવા છતાં સરકારના નિયમ મુજબ અહીં બાળકોને રમવા માટે મેદાન જ નથી. હાલ પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગામના યુવાનો બળીયાદેવ મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં રમત ગમતના મેદાન તરીકે ઉપયોગમાં લેતા હતા પરંતુ ત્યાં બાંધકામ થઈ રહ્યું હોવાથી આ જગ્યા પણ બાળકો માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં. જેથી તાત્કાલિક અસરથી આ અંગેનો નિર્ણય લઈને આ જગ્યા રમત ગમતના મેદાન માટે ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે.









