વડોદરામાં ઐતિહાસિક માંડવીના પિલર જર્જરિત બનવા છતાં હજુ રીપેરીંગ માટે ઠાગાઠૈયા
Vadodara : વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવીના પિલરમાં તિરાડો પડી છે, જે ચિંતાજનક બાબત ગણવામાં આવી રહી છે. હાલ માંડવી નીચે ટેકા માટે લોખંડના ગર્ડર મૂકવામાં આવ્યા છે, તે સિવાય બીજી કોઈ કામગીરી થતી નથી. જોકે ગર્ડર મૂકવાથી ઐતિહાસિક ઇમારતની જે કમાન છે, તેમાં તિરાડો પડવાની શરૂઆત થઈ હતી. જેથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં હવે કમાનોમાં લોખંડની પ્લેટ લગાવવામાં આવી રહી છે. જેના કારણે કમાનમાંથી ખરતા પોપડા અટકાવી શકાય, પરંતુ હેરિટેજ બિલ્ડીંગનું નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જે કામ શરૂ થવું જોઈએ તે હજુ થયું નથી.
બીજી બાજુ નજીકમાં આવેલા વિઠ્ઠલ મંદિરના મહારાજ દ્વારા કામ નહીં શરૂ થવાના વિરોધમાં તપ ચાલુ કરવામાં આવ્યું છે, એટલે કે આ તપના ભાગરૂપે તેમણે પગમાં ચપ્પલ નહીં પહેરવાનો નિર્ણય લીધો છે. તેમનું આ તપ છેલ્લા 29 દિવસથી ચાલુ છે. માંડવીનું ચુના આધારિત સદી પુરાણું બાંધકામ તેની પકડ ગુમાવી રહ્યું છે.આવા બાંધકામની નિયમિત ચકાસણી અને મરામત નહીં થવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું નિષ્ણાતો માને છે. આ અગાઉ રાજવી પરિવાર દ્વારા પણ માંડવીની આ હાલત બદલ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ હાલ ગર્ડર લગાવતા કોન્ટ્રાક્ટરને પણ બીજી કોઈ કામગીરી કરવાની સૂચના અપાઈ નથી. મંદિરના પૂજારીએ પણ રીપેરીંગ સંદર્ભે તંત્રની ઉદાસીનતા બદલ ઝાટકણી કાઢી હતી. ગયા ફેબ્રુઆરીમાં પિલરમાં તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું હતું અને ત્યારથી ગર્ડરના ટેકા મૂકી આ ઐતિહાસિક સ્થાપત્યના પિલરના રીપેરીંગ માટે નવી ટેકનીક આધારિત રીપેરીંગ કામ હજુ કેમ શરૂ કરાયું નથી તે સવાલ છે.