Get The App

વડોદરા શહેરમાં સાયકલ ટ્રેકના બે પ્રોજેકટમાં સંપૂર્ણ નિષ્ફળતા છતાં, સમા-છાણી ખાતે વધુ એક સાયકલ ટ્રેક

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા શહેરમાં સાયકલ ટ્રેકના બે પ્રોજેકટમાં સંપૂર્ણ નિષ્ફળતા છતાં, સમા-છાણી ખાતે વધુ એક સાયકલ ટ્રેક 1 - image


Vadodara Corporation : પર્યાવરણના જતન સાથે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા આશય સાથે કોર્પોરેશનએ પૂર્વ વિસ્તારમાં તથા વડસર ટ્રી મ્યુઝિયમ ખાતે રૂ.1.05 કરોડના ખર્ચે તૈયાર કરેલ સાયકલ ટ્રેક ચોક્કસ આયોજનના અભાવે ઉપયોગી બની શક્યા નથી. આજે આ સાયકલ ટ્રેકો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશન સમા- છાણી વિસ્તારમાં રૂ.10.40 કરોડના ખર્ચે વધુ એક સાયકલ ટ્રેકનું નિર્માણ કરી રહ્યું છે.

પૂર્વ વિસ્તારના સાયકલ ટ્રેકમાં દબાણો દૂર કર્યા વગર માત્ર લાલ પટ્ટા પાડી દીધા હતા

 વર્ષ 2023માં કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ.1.88 કરોડના ખર્ચે 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેનએ લોકો વહેલી સવારે નિર્ભય બની સાયકલિંગ કરી શકે તે માટે પાણીગેટ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ થઈને વૃંદાવન ચાર રસ્તા થઈ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ થઈ પરત પાણીની ટાંકી સુધી આ સાયકલ ટ્રેક ઉભો કર્યો હતો. આ ટ્રેક પર ગેરકાયદેસર વાહનોના પાર્કિંગ અને દબાણ હોવાથી સાયકલ ચાલકો માટે ટ્રેક ઉપયોગી બની ન શકતા પ્રોજેક્ટનું બાળ મરણ થયું હતું. મહત્વનું છે કે, સાયકલ ટ્રેક ઉપર માત્ર લાલ પટ્ટા અને કેટલાક સ્થળો સાયકલ ટ્રેક અંગેના સૂચના બોર્ડ પાછળ રૂ.1.88 કરોડના ખર્ચ સામે સવાલો ઉઠતા વિવાદ બાદ કોન્ટ્રાક્ટરને રૂ.55 લાખનું ચુકવણું કરાયું હતું. અગાઉના હોદ્દેદારોએ ઉતાવળ કરી આયોજન અને વિસ્તારનો સરવે કર્યા વિના નિર્ણય લીધો હતો. અને સાયકલ ટ્રેકમાં દબાણો દૂર કર્યા વગર માત્ર લાલ પટ્ટા પાડી દેતા વિવાદ થયો હતો. તેમજ માત્ર એક વર્ષની અંદર વર્ષ 2024માં વોર્ડ નંબર 5 માં પાણીની લાઈન નાખવા માટે ટ્રેક ખોદી નાખતા રૂ.55 લાખ પાણીમાં ગયા હતા.

વડસર સાયકલ ટ્રેક ઉપર કોર્પોરેશનના ભારદારી વાહનો દોડી રહ્યા છે

આ અગાઉ કોર્પોરેશનએ વર્ષ 2021માં વડસર ટ્રી મ્યુઝિયમ ખાતે 50 લાખના ખર્ચે સાઇકલ ટ્રેક બનાવ્યો હતો. હાલ સાયકલ ટ્રેક પર સફાઈનો અભાવ છે. ટ્રેકની આજુબાજુ લાગેલ ઘણાં બ્લોક તૂટી ગયા છે. વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેકટ અંતર્ગત વિશ્વામીત્રી નદી કિનારે ચાલતી કામગીરી દરમ્યાન વાહનોની અવરજવર માટે આ સાયકલ ટ્રેકનો ઉપયોગ થઈ રહ્યો છે, સાયકલ ટ્રેક ઉપર ભારદારી વાહનો ચાલતા હોવાથી એક સ્થળે આરસીસી તૂટી જતા સાયકલ ટ્રેકને નુકસાન પણ થયુ છે. ગાર્ડનની લાઈટો છેલ્લા એક મહિનાથી બધ હોવાથી અંધારપટ છે. અને હાલ મેન્ટેનન્સના અભાવે આ સાયકલ ટ્રેક પણ ઉપયોગી બની શક્યો નથી. 

હવે સમા કેનાલથી છાણી સુધી રૂ.10.40 કરોડના ખર્ચે સાયકલ ટ્રેકનું સાહસ

કોર્પોરેશન  ઉત્તર વિસ્તારના વોર્ડ -2માં સ્માર્ટ સિટી અંતર્ગત રૂ.10.40 કરોડના ખર્ચે સમાથી છાણી સુધી નર્મદા કેનાલની સમાંતર સાયકલ ટ્રેકનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ માટે આઈઓસીએલએ સીએસઆર ફંડ હેઠળ રૂ.3.02 કરોડ ફાળવ્યા છે. કોન્ટ્રાક્ટર દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા સાયકલ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ કેનાલની બાજુમાં કાચો કાંસ હોય તેની બાઉન્ડ્રીથી કેનાલ માટે મજબૂતાઇ અર્થે રિટેનિંગ વોલ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સાયકલ ટ્રેકનું નિર્માણ થશે. અગાઉ ચોક્કસ આયોજન વગર કામમાં વેઠ ઉતારતા નાણાંનો વેડફાટ થયો છે. ત્યારે હવે સમા-છાણી વિસ્તારના લોકો માટે બનાવવામાં આવી રહેલ આ સાયકલ ટ્રેક પાછળ ખર્ચાતા નાણાંનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. 

સ્માર્ટસિટિના સ્માર્ટ શાસકોને પ્રબુધ્ધ નાગરિકોના ચાર સવાલ

શહેરના કેટલાક પ્રબુધ્ધ નાગરિકોએ સમા-છાણીમાં નવા સાયકલ ટ્રેક પાછળ રૂા.10.40 કરોડના ખર્ચના કહેવાતા આયોજન અનુસંધાને સ્માર્ટ સિટિના સ્માર્ટ શાસકોને ચાર અણીદાર સવાલો પૂછી તેના જાહેર જવાબની અપેક્ષા રાખી છે.

અગાઉ રૂા.1.05 કરોડનું વહીવટી તંત્રએ પાણી કરી નાંખ્યું છે. નાગરિકોના વેરાના આ નાણાં વેડફાઈ ગયા બાદ શાસકોએ, સાયકલ ટ્રેક નિષ્ફળ જવાના કારણોની સમીક્ષા જ કરી હોય તો આ “ઈન્કવાયરી રિપોર્ટ જાહેર કેમ નથી કર્યો?  બે સાયકલ ટ્રેક પાછળ નાગરિકોના નાણાંનો ધુમાડો થઈ ગયા પછી મ્યુનિ. કોર્પોરેશનના સ્માર્ટ શાસકો ત્રીજા સાયકલ ટ્રેક પાછળ રૂા.10.40 કરોડનો ખર્ચ કરવાની હિંમત કોના આશીર્વાદથી કરી રહ્યા છે ? સમા-છાણી સાયકલ ટ્રેક પ્રોજેક્ટ મંજૂર કરતા પહેલા સ્માર્ટ લોકોએ આ વિસ્તારમાં કોઈ સર્વે કર્યો છે ખરો?

Tags :