Gujarat

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ !

By GS TEAM
22 May 20262 mins read
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ !

અનામતની કડાકૂટમાં સર્જાયેલી વિચિત્ર સ્થિતિ : આજે પ્રમુખ બિનહરીફ જીતશે, પણ ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવાતાં ચૂંટણી યોજવી પડશે

મોરબી, : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ એક અત્યંત રસપ્રદ અને અણધારી રાજકીય સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા પંચાયતના જંગમાં ભાજપે 24 પૈકી 17 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી પોતાનો ગઢ જાળવી રાખવામાં મોટી સફળતા મેળવી છે, પરંતુ સત્તાના શિખર સમાન પ્રમુખપદ પર આગામી અઢી વર્ષ માટે કોંગ્રેસના ઉમેદવાર બિરાજમાન થશે. આવતીકાલે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે જ પ્રમુખપદનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ નિયમાનુસાર શેડયુલ ટ્રાઈબ (એસટી) માટે અનામત રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં ભાજપના એસ.ટી. કેટેગરીના ઉમેદવાર નેકનામ બેઠક પરથી પરાજિત થયા હતા. બીજી તરફ, કોંગ્રેસ પક્ષમાંથી આ જ કેટેગરીમાં ગીતાબેન દુબરિયા ચૂંટણી જીતી ગયા હતા. પ્રમુખ પદની રેસ માટે ભાજપ પાસે એસ.ટી. ઉમેદવાર ન હોવાથી, પ્રમુખ પદ માટે માત્ર કોંગ્રેસના ગીતાબેન દુબરિયાએ જ ફોર્મ ભર્યું છે. પરિણામે, તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તેવો ઘાટ સર્જાયો છે.

પ્રમુખ પદ ભલે બિનહરીફ નક્કી થઈ ગયું હોય, પરંતુ ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને મેદાને પડયા છે. જેમાં ભાજપના ઉમેદવાર વિપુલભાઈ ગરચર અને સાત સભ્યોનું સંખ્યાબળ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર ઈસ્માઈલ શેરશીયા મેદાને છે. જો કે, સ્પષ્ટ બહુમતી હોવાને કારણે ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ પરિણામોના કારણે મોરબી જિલ્લા પંચાયતમાં એક અનોખું શાસન જોવા મળશે. ભાજપની બહુમતીવાળી પંચાયતમાં સર્વોચ્ચ સ્થાને કોંગ્રેસના સદસ્યા બિરાજમાન થશે અને આગામી અઢી વર્ષ સુધી તેમની અધ્યક્ષતામાં જ તમામ સામાન્ય સભા અને બેઠકો યોજાશે