Get The App

નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ 1 - image

- બાળકોના હિતમાં તૂટેલા સાધનો દૂર કરી નવા, આધુનિક મનોરંજનના સાધનો સ્થાપિત કરી મનોરંજનની સુવિધા માટે માંગ 

- બાળ મનોરંજન બાગમાં બાળકોની રમતગમતના તમામ સાધનો છેલ્લા પાંચ વર્ષથી બિનઉપયોગી, તૂટેલી હાલતમાં હોવાથી શહેરીજનોમાં રોષ

નડિયાદ : નડિયાદ શહેરની મધ્યમાં આવેલા ખેતા તળાવમાં તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨ કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં તળાવની બાજુમાં આવેલા બાળ મનોરંજન બાગમાં રમતગમતના તમામ સાધનો છેલ્લા પાંચેક વર્ષથી બિનઉપયોગી અને તૂટેલી હાલતમાં પડયા હોવાથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. જેથી શહેરના બાળકોને મનોરંજનની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. 

નડિયાદ શહેરની મધ્યમાં આવેલું ખેતા તળાવ શહેરની એક ઓળખ સમાન છે. શહેરભરમાંથી લોકો પોતાના બાળકોને લઈને અહીં આવે છે, કે જેથી બાળકો બાગ-બગીચામાં રમી શકે અને મનોરંજન માણી શકે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેતા તળાવની બાજુમાં આવેલા બાળ મનોરંજન વિભાગની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બાળકો માટેના તમામ સંસાધનો લપસણી, હિંચકા, સી-સો અને નાની રાઈડ્સ સહિતના તમામ સાધનો તૂટી ગયા છે અથવા તો જર્જરિત થઈ ગયા જે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. 

મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ તળાવનું રૂપિયા ૨ કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું હતું, ત્યારે આટલો મોટો ખર્ચ કરવા છતાં બગીચામાં બાળકો માટે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવી નથી કે જૂના સાધનોનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. બાળકોના મનોરંજન માટેના સ્થળે જ રમવાના સાધનો ન હોવાથી બાળકો અને તેમના વાલીઓમાં નિરાશા ફેલાઈ છે. છેલ્લા પાંચેક વર્ષથી આ જ પરિસ્થિતિ પ્રવર્તી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોના હિતમાં તૂટેલા તમામ સાધનો દૂર કરીને નવા અને આધુનિક મનોરંજનના સાધનો સ્થાપિત કરી શહેરના બાળકોને મનોરંજનની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેની શહેરીજનોમાં પ્રબળ માંગણી ઉઠી છે. 

નવા પ્રોજેક્ટમાં કામગીરી કરાશે : મનપા ડે. કમિશનર 

આ સમગ્ર મામલે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, જર્જરીત થયેલા સાધનો અત્યંત જૂના છે. આગામી સમયમાં હેરીટેજ તરીકે જ્યારે ડેવલોપમેન્ટનો પ્લાન થશે, તેમાં આ કામગીરીનો સમાવેશ કરવામાં આવશે.