Gujarat

શહેરમાં સરેરાશ વીસ ઈંચ વરસાદ છતાં પચાસ દિવસમાં વિવિધ રોડ ઉપર ૧૦ હજારથી વધુ ખાડા પુરવા પડયા

By GS TEAM
21 Jul 20252 mins read
શહેરમાં સરેરાશ વીસ ઈંચ વરસાદ છતાં પચાસ દિવસમાં વિવિધ રોડ ઉપર ૧૦ હજારથી વધુ ખાડા પુરવા પડયા

અમદાવાદ,સોમવાર,21 જુલાઈ,2025

૨૯ મેથી ૨૧ જુલાઈ સુધીમાં શહેરમાં સરેરાશ વીસ ઈંચ વરસાદ થયો છે. આમછતાં પચાસ દિવસમાં વિવિધ રોડ ઉપર ૧૦ હજારથી વધુ ખાડા કોર્પોરેશને પુર્યા છે.રોડ સંબંધિત રોજ બસોથી વધુ ફરિયાદ મળે છે. બોર્ડ બેઠકમાં વિપક્ષે રોડ ઉપરના ખાડા સંબંધિત રજુઆત કરતા સત્તાધારીપક્ષના કોર્પોરેટરોએ મૌન સેવી લીધુ હતુ.

શહેરમાં ૧ જુનથી ૧૯ જુલાઈ-૨૫ સુધીમાં રોડ ઉપર ખાડા પડવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓનલાઈન ૧૦૫૧૪ ફરિયાદ મળી હતી.વિપક્ષ તરફથી આક્ષેપ કરતા કહેવાયુ હતુ કે, એક પણ રોડ નહીં તુટે એવા દાવા છતાં હવે તો વાડજમાં છ મહીના પહેલા બનાવાયેલ સિમેન્ટનો રોડ પણ તુટી રહયો છે.શહેરમાં રોડ ઉપર ખાડા પડવાને લઈ ઓનલાઈન દસ હજારથી વધુ ફરિયાદ મળી હોય તો ઓફલાઈન ફરિયાદ કેટલી હશે તે અંગે પણ કોઈ જવાબ અપાયો નહતો.દરમિયાન શહેરમાં હજુ પણ એક હજારથી વધુ રોડ ઉપરના ખાડા પુરવાના બાકી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જે સ્થળે પાણી કે ડ્રેનેજની કામગીરી કરાઈ છે ત્યાં હાલ પુરતુ વેટમિકસ મટીરીયલ નાંખી પુરાણ કરી દેવાયુ છે.

રોડ સંબંધિત કેટલી ફરિયાદ

પ્રકાર   ફરિયાદ

પેચવર્ક ૩૧૫

ભુવા    ૧૪૭૮

રીપેરીંગ ૭૫૮૫

અન્ય  ૧૧૩૬

સિમેન્ટ રોડને કોઈની નજર લાગી ગઈ,મહાદેવ દેસાઈ

કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં રોડ ઉપર પડેલા ખાડા અને ભુવા અંગે રજુઆત થતી હતી એ સમયે ભાજપના રોડ કમિટીના પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈએ સિમેન્ટ રોડ ઉપર કામણ કુટણ કરાયુ હોવાથી કોઈની નજર લાગી ગઈ હોવા જેવી વાહીયાત રજુઆત કરી હતી.