કણજરીમાં 3 નોટિસ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું યોગ્ય રિપેરિંગ ન કરાયું

- રસ્તા માટે લક્ષ્મણસિંહ રાઠોડને વર્કઓર્ડ અપાયો હતો
- ઈજનેરની હાજરીમાં ત્વરિત રિપેરિંગ નહીં કરાય તો સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાની પાલિકાની ચિમકી
કણજરી નગરપાલિકા દ્વારા ગત વર્ષે વધુ વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓના રિસરફેસિંગ અને રિપેરિંગ માટે લક્ષ્મણસિંહ રાઠોડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામોમાં જનરલ સ્મશાનથી ગરનાળા તરફ જતો રસ્તો પણ સામેલ હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો હલકી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ટૂંકા ગાળામાં જ તે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ મામલે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ, નગરપાલિકા દ્વારા આ કામ માટે કોન્ટ્રાક્ટરને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી હતી. નોટિસ મળતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તે યોગ્ય રીતે ન થઈ હોવાનું જણાતા તેમને મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કણજરી નગરપાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટર લક્ષ્મણસિંહ રાઠોડને ત્રીજી વખત નોટિસ આપીને જણાવ્યું છે કે, નગરપાલિકાના ઇજનેરની હાજરીમાં તાત્કાલિક ધોરણે રિપેરિંગનું કામ હાથ ધરે. જો તેમ કરવામાં નહીં આવે તો, નગરપાલિકા દ્વારા સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરીને રિપેરિંગનું કામ કરવામાં આવશે.
રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટર દ્વારા નોટિસને અવગણવામાં આવી હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.









