ડીપીએ વિરૂધ્ધ હડતાળમાં ઉતરેલા વારસદારોની હાલત કફોડી
તબિયત લથડતાં એક ઉપવાસી મહિલા હોસ્પિટલમાં દાખલ કરાઇ
આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને ડીપીએમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોએ આક્ષેપો સાથે જણાવ્યુ હતું કે, પોર્ટ સમક્ષ અનેક રજૂઆતો કરી છે છતાં પોર્ટ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. તા. ૨૯-૧૧થી વારસદારો દ્વારા ભૂખ હડતાલ શરૂ કરી છે અને આ ભૂખ હડતાળમાં ૧૩ લોકો જોડાયા છે. ભૂખ હડતાલના ત્રીજા દિવસે પોર્ટ પ્રશાસન અને રામબાગ હોસ્પિટલના સત્તાધીશોને લેખિત અરજી આપ્યા છતાં ભૂખ હળતાલમાં બેઠેલા વ્યક્તિઓની રોજે રોજની જે બે ટાઈમ તપાસણી કરવામાં ન આવતી હોવાથી એક બહેનની તબિયત લથડતા તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિનદયાળ પોર્ટ આથોરિટીમાં મૃતક કર્મચારીઓના વારસદારોએ અનેક રજૂઆતો બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા નોકરી આપવામાં આવતી નથી અને મૃતક વારસદારો સાથે અન્યાયી વલણ દાખવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. અગાઉ અનેક રજૂઆત બાદ પણ પોર્ટ પ્રશાસન દ્વારા ગત વર્ષે આંદોલન બાદ ૧૭ લોકોને નોકરી આપવામાં આવી હતી પણ હજુ ગંભીર પ્રશ્ન એ છે કે ૪૪૦ વારસદારો બાકી છે. જે રોજગારીથી વંચિત છે તેમને ન્યાય મળ્યું નથી. જેથી હવે ન છૂટકે કોઈ ઉગ્ર આંદોલન, રોડ-રસ્તા કે કચેરીની તાળાબંધી સહિતનું પગલું ભરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.


