Gujarat

ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા

By GS TEAM
25 Apr 20262 mins read
ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા

ચાર દિવસ પહેલા લાંચ લેતા બન્ને ઝડપાયા હતા

ફાયર ઓફિસરના મૂળ વતન રણાસણ ગામે સંપતિ અને મિલકતની તપાસ કરશે

ભાવનગર - ભાવનગર શહેરમાં ચાર દિવસ અગાઉ ચાર જિલ્લાનો ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને તેનો પેટા કોન્ટ્રાક્ટર વચેટીયો બે લાખની લાંચ કેસમાં એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે લાંચિયા બન્ને શખ્સના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તદુપરાંત અધિકારીના ગામ રહેણાંકના મકાને તપાસ હાથ ધરવામાં આવશે અને છુપી સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મુકેશકુમાર અમૃતલાલ પટેલને ચીફ ઓફિસરનું પ્રમોશન આવે તે અગાઉ જ બે લાખની લાંચમાં આણંદ-અમદાવાદ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતા.જિલ્લાની જુદી જુદી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા પેટા કોન્ટ્રાક્ટરની ફાઇલો પાસ કરવા માટે મુકેશકુમારે પાંચ લાખની માંગણી કરી હતી અને બાદમાં પચાસ હજાર રૃપિયા લઇ પણ લીધા હતા. જે બાદ બાકીના રૃા.૪.૫૦ પૈકી રૃા.૨ લાખ લેવા માટે પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ સાથે મેળાપીપણું કરી, પ્રકાશને બે લાખ રૃપિયા લેવા માટે ફરિયાદી પાસે મોકલ્યો હતો. જે દરમિયાન એસીબીએ છટકું ગોઠવી બે લાખની રકમ રીકવર કરી, મુકેશકુમાર પટેલ અને પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ભાવનગર એસીબીએ બન્ને શખ્સના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ દરમિયાન પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ.શ્રી એન્ટરપ્રાઇઝ નામે ફર્મ ધરાવતો પેટા કોન્ટ્રાક્ટર તેમજ અધિકારી વતી લાંચ લેતો વચેટીયો પણ પોલીસની તપાસમાં પેટા કોન્ટ્રાક્ટર હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.તેમજ ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મુકેશકુમાર અમૃતલાલ પટેલના મહેસાણા રણાસણ ગામે મિલકતોની તપાસ કરવામાં આવશે. હાલ બન્ને શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે.