Gujarat

બેંકના સી.ડી.એમ.માં ચિલ્ડ્રન બેંકની ૫૦૦ ના દરની ચલણી નોટો જમા કરાવી

By GS TEAM
31 Jul 20251 min read
બેંકના સી.ડી.એમ.માં   ચિલ્ડ્રન બેંકની ૫૦૦ ના દરની ચલણી નોટો જમા કરાવી

વડોદરા,એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માં ચિલ્ડ્રન બેન્કની ૫૦૦ ના દરની ચલણી નોટો જમા કરાવનાર સામે  પોલીસે ગુનો દાખલ કયો છે.

માંજલપુરની એચ.ડી.એફ.સી. બેંકના આસિસ્ટન્ટ મેનેજર ( કેશિયર) કેશ ડિપાઝીટ મશીનમાં જમા થયેલા રૃપિયા કાઢવા માટે ગયા હતા. સી.ડી.એમ. મશીનમાંથી અસલ ચલણી નોટો કાઢી હતી. પરંતુ, તેમાં ૫૦૦ ના દરની નકલી ચલણી નોટો પણ  હતી. કુલ ૨૭ બનાવટી નોટ કોઇએ બેંકમાં જમા કરાવી હતી. આ નોટો પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખ્યું હતું.  આ તમામ ચલણી નોટોનો સિરિયલ નંબર પણ એકસરખો હતો. આ તમામ ચલણી નોટો બેંકના મેનેજરે ગત ૨ જી જાન્યુઆરીએ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. બનાવટી નોટો મશીનમાં કોણે જમા કરાવી ? તે અંગે સિસ્ટમમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ૧ લી જાન્યુઆરીએ રાતે દશ વાગ્યે  એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ ધારક ચંદન સુરેશભાઇ ચરણ (રહે. વ્રજ રેસિડેન્સી, એરફોર્સ સ્ટેશન પાછળ, મકરપુરા) નો એકાઉન્ટ નંબર મશીનમાં એન્ટર કરી કાર્ડલેસ ટ્રાન્જેક્શન કરી રૃપિયા જમા કરાવ્યા હતા. આ એકાઉન્ટ ધારકનો મોબાઇલ નંબર પર સંપર્ક કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડરે પોતાના એકાઉન્ટમાં કોઇ ટ્રાન્જેક્શન કર્યુ નથી. આ અંગે પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. બનાવની તપાસ એસ.ઓ.જી.ને સોંપવામાં આવી છે. ફરિયાદ નોંધાવનાર બેંક મેનેજર શ્રેયાબેન શાહે જણાવ્યું છે કે,  હું ત્યારે  કામમાં વ્યસ્ત હોવાથી હવે મેં ફરિયાદ કરી છે.