વડાપ્રધાનના કાર્યક્રમમાં મહિલા શિક્ષકોને મોકલવા માટે ડીઈઓનું ફરમાન
વડોદરાઃ તા.૨૬ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર ટુંકુ રોકાણ કરનાર છે.તેમનો એક રોડ શો યોજવાનું પણ આયોજન થઈ રહ્યું છે અને તેના ભાગરુપે હવે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને મહત્તમ સંખ્યામાં મહિલા શિક્ષકોને આ કાર્યક્રમમાં મોકલવા માટે ફરમાન કર્યું છે.
મળતી વિગતો પ્રમાણે ડીઈઓ વતી કચેરીના અધિકારીઓએ વિવિધ સ્કૂલોના વોટસએપ ગુ્રપમાં સ્કૂલ સંચાલકો અને આચાર્યો માટે સંદેશા મોકલ્યા છે અને તેમાં વડોદરાની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફરજ બજાવતા મહિલા શિક્ષકોને મહત્તમ સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું આયોજન કરવા માટે જણાવાયું છે.
દરેક સ્કૂલને કેટલા મહિલા શિક્ષકો કાર્યક્રમમાં હાજર રહેશે તેની જાણકારી પણ ડીઈઓ કચેરીને પૂરી પાડવા માટે જણાવવામાં આવ્યું છે.અત્યારે સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ડીઈઓ કચેરીના આ પ્રકારના આદેશને લઈને શિક્ષક આલમમાં કચવાટ પણ છે.જોકે ડીઈઓ કચેરીનો આદેશ હોવાથી સંચાલકોએ નાછુટકે પણ તેનું પાલન તો કરવું જ પડશે.