વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ઈરા ઈન્ટરનેશન સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા ૩૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતી એક બાળકીના વાલીએ ડીઈઓ કચેરીમાં ચાર મહિના પહેલા ફરિયાદ કરી હતી કે, બાળકીને તેની સાથે ક્લાસમાં ભણતા અન્ય બાળકે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.જેની તપાસ બાદ બાળકીને અને તેના વાલીને થયેલી માનસિક સતામણી બદલ ૧૦૦૦૦ રુપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
સાથે સાથે તેમણે કહ્યું હતું કે, તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા નહીં હોવા બદલ તેમજ સ્કૂલમાં શિક્ષકોની નિમણૂકમાં નિયમોનું પાલન નહીં થયું હોવા બદલ બીજા ૨૦૦૦૦ રુપિયાનો એમ કુલ ૩૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડની રકમ સ્કૂલે એક સપ્તાહમાં જમા કરાવવાની રહેશે.જો અન્ય સ્કૂલ પણ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.


