ડીઈઓ કચેરી માર્કશીટની હાર્ડ કોપી આવ્યા બાદ પ્રવેશ કાર્યવાહી શરુ કરશે
વડોદરાઃ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે પરંતુ ડીઈઓ કચેરી દ્વારા હજી સુધી ધો.૧૧માં પ્રવેશ માટેના ટાઈમ ટેબલની જાહેરાત કરવામાં આવી નથી.બીજી તરફ સ્કૂલોએ અને ખાસ કરીને ખાનગી સ્કૂલોએ પ્રવેશ આપવાનું શરુ કરી દીધું છે.
સામાન્ય રીતે ધો.૧૦ના પરિણામ બાદ ડીઈઓ કચેરી દ્વારા શિડયુલ જાહેર કરવામાં આવે છે.જે પ્રમાણે સ્કૂલોએ ધો.૧૧ના પ્રવેશ ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કરવાની હોય છે તેમજ પ્રવેશ યાદી ડીઈઓ કચેરી પાસે મંજૂર કરાવવાની હોય છે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને બાદમાં ડીઈઓ કચેેરી દ્વારા કેમ્પ યોજીને પ્રવેશ આપવામાં આવે છે.
આ પ્રવેશ કાર્યવાહીની તારીખ અંગે પૂછવામાં આવતા ડીઈઓ કચેરીના અધિકારીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને માર્કશીટની હાર્ડ કોપી આપવામાં આવશે એ પછી પ્રવેશ કાર્યવાહીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.માર્કશીટની હાર્ડ કોપી ક્યારે વિદ્યાર્થીઓને મળશે તેની બોર્ડ દ્વારા કોઈ જાણકારી અપાઈ નથી.જોકે તેની સામે ખાનગી સ્કૂલોએ તો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરુ પણ કરી દીધું છે અને કન્સેપ્ટ સ્કૂલ તરીકે ઓળખાતી સ્કૂલોએ તો સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવવાની પણ શરુઆત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાંથી ૨૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધો.૧૦માં પાસ થયા છે. શહેર જિલ્લાનું ૭૬ ટકા પરિણામ આવ્યું છે ત્યારે ધો.૧૧માં પ્રવેશની સમસ્યા સર્જાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.
૯૩ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ
શિક્ષણ સમિતિ દ્વારા ચાર સ્કૂલોમાં ધો.૧૧ કોમર્સ શરુ કરવા કવાયત
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સ્કૂલોમાં માધ્યમિક વિભાગ શરુ કર્યા બાદ પહેલી વખત ધો.૧૦ના વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.જેમાં ૧૫૧માંથી ૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
હવે સમિતિ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરુ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.સરકાર પાસે આગામી દિવસોમાં તેના માટે મંજૂરી માગવામાં આવશે.સમિતિના જે વિદ્યાર્થીઓ ધો.૧૦માં પાસ થયા છે તેમને આગળ અભ્યાસમાં મુશ્કેલી ના પડે તે માટે ચાર સ્કૂલોમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે ધો.૧૧ કોમર્સના વર્ગો શરુ કરવાનું આયોજન છે.આ માટેની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે.આગામી દિવસોમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે આ માટે મંજૂરી માગવામાં આવશે.
ધો.૧૦માં પાસ થયેલા મોટાભાગના વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સાધારણ છે ત્યારે ધો.૧૧ શરુ કરવામાં આવે તો તેમને આગળ ભણવામાં ઘણી રાહત થાય તેમ છે.