Get The App

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા 1 - image


ગ્લોબલ ઓળખ સમું ગિફ્ટસિટી રોગચાળાનું એપી સેન્ટર

આરોગ્ય તંત્ર દ્વારા લેબર કોલોનીમાં ચેકિંગ કરતા મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યુંઃજિલ્લા વિકાસ અધિકારીએ લેટર લખી સુચના આપી

ગાંધીનગર :  ગિફ્ટસિટી ખાતે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને લેબર કોલોનીમાં ડેંગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તારમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ ૨૬ ડેંગ્યુના કેસ નોંધાયા છે, જે એક ગંભીર બાબત છે. જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતા અનેક જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતા. ખાસ કરીને, લેબર કોલોનીની આસપાસ પડેલા ભંગારના સામાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરના પોરાનું મોટા પાયે સંવર્ધન થતું જોવા મળ્યું છે.

ડેંગ્યુના વધતા કેસોથી ડેંગ્યુ હેમરેજિક ફીવરનું જોખમ વધી જાય છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક ધોરણે પગલાં લેવા અત્યંત જરૃરી છે. મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને લેબર કોલોનીમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અથવા કાયમી પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાએ ઓઇલનો છંટકાવ કરવો જરૃરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં ડેંગ્યુના નિયંત્રણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.રોગચાળા નિયંત્રણની માર્ગદશકા અનુસાર, મચ્છરજન્ય રોગો અટકાવવા માટે કેટલીક તાત્કાલિક અને આવશ્યક કામગીરી કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં નિયમિતપણે દવાનો છંટકાવ, મજૂરોનું સ્ક્રીનિંગ, અને ફોગિંગ કામગીરીનો સમાવેશ થાય છે. ફોગિંગ માટે સાયપરમેથ્રીનની જગ્યાએ પાયરેથ્રામ દવાનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ માટે મોકલવા પણ જણાવાયું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગિફ્ટસિટી ઓથોરિટીને લેટર લખીને તકેદારીના જરૃરી પગલા લેવા માટે સુચન કરવામાં આવ્યું છે. જો કે, આ એક પ્રકારની નોટિસ બાદ પણ કોઇ ઠોસ પગલા નહીં લેવામાં આવે તો તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવો હાલ અધિકારીઓનો મુડ છે. 

Tags :