ચોટીલાના છત્રી ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું
રોકડ સહિત રૃા.૪.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા, મુળી અને સાયલા તાલુકા સહિત પોરબંદરથી જુગાર રમવા આવતા ૧૦ શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે મેઈન બજાર પાસે આવેલ એક રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ અને મોબાઈલ સહિત ૪.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને ચોટીલા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા શહેરની મેઈન બજાર પાસે છત્રી ચોકમાં આવેલા આપાભાઈ ખાચરના બંધ મકાનમાં ચાણપા ગામના રવિભાઈ સામતભાઈ બસીયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાળ ઉધરાવતો હોવાની અને જુગારાધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસ ટીમે રેઈડ કરી હતી. દરોડા દરમિયાન મકાનમાંથી દસ જુગારીયાઓને રોકડ રૃા.૩,૮૦,૬૫૦, ૧૦ મોબાઈલ કિંમત રૃા.૪૭,૫૦૦ સહિત કુલ રૃા.૪,૨૮,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને જગારધારા હેઠળ તમામ વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા રહેણાંક મકાનમાંથી ઝડપાયેલ જુગારધામમાં સાયલા, મુળી, ઉપરાંત છેક પોરબંદર જીલ્લામાંથી પણ જુગારીઓ સ્પેશ્યલ જુગાર રમવા આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવા છતાં પોલીસ દ્વારા અત્યાર સુધી કેમ રેઈડ કરવામાં ન આવી ? હાલ કોના કહેવાથી આ રેઈડ કરાઈ સહિતની બાબતો અંગે ચર્ચાઓ વહેતી થઈ છે.
જુગાર રમતા ઝડપાયેલા શખ્સો (બોક્સ)
(૧) જુગાર રમતા રવિભાઈ સામતભાઈ બસીયા (રહે.ચાણપા, ચોટીલા)
(૨) કૈલાશભાઈ લક્ષ્મીશંકર રત્નેશ્વર (રહે.કુતીયાણા, જિ.પોરબંદર)
(૩) ભગીરથભાઈ નરેન્દ્રભાઈ ઓડેદરા (રહે.કુતીયાણા, જિ.પોરબંદર)
(૪) મેઘાભાઈ બેચરભાઈ દેત્રોજા (રહે.સીતાગઢ, સાયલા)
(૫) વિજયભાઈ નાગરભાઈ પુરબીયા (રહે.મુળી)
(૬) કાંતિભાઈ પોપટભાઈ વાણીયા (રહે.મુળી)
(૭) જયદિપસિંહ રમુભા પરમાર (રહે.મુળી)
(૮) સુરેશભાઈ ગેલાભાઈ મારૃણીયા (રહે.કંસારા, તા.સાયલા)
(૯) ઈમ્તીયઝભાઈ હનીફભાઈ કલાડીયા (રહે.ચોટીલા)
(૧૦) જયેન્દ્રસિંહ ઉર્ફે જટુભા ઝાલા (રહે.ચોટીલા)
મુદ્દામાલમાં વાહન નહીં દર્શાવતા પોલીસની કામગીરી સામે સવાલ (બોક્સ)
ચોટીલા શહેરી વિસ્તારમાંથી ઝડપાયેલા જુગારધામમાં જિલ્લાના સાયલા, મુળી તાલુકા ઉપરાંત પોરબંદર જિલ્લામાંથી જુગારીઓ રમવા આવતા હતા. ત્યારે ઝડપાયેલા જુગારીઓના વાહનો સહિત અન્ય મુદ્દામાલ ફરિયાદ નહીં દર્શાવતા ચોટીલા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.