Jamnagar Gambling News : જામનગર નજીક દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગોલ્ડન પોઇન્ટ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી એક ઓફિસમાં ચાલી રહેલા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડયો હતો, અને દુકાનદાર સહિત છ પત્તાપ્રેમીઓને ગંજીપાના વડે જુગાર રમતાં પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 8 હજારની રોકડ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝન ના પી.આઈ. વી.જે.રાઠોડ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી ફેઈઝ-3માં શિવ ઓમ સર્કલ પાસે ગોલ્ડન પોઇન્ટ નામના બિલ્ડીંગના ત્રીજા માળે 205 નંબરની ઓફિસ કે જેના સંચાલક નીતિન કાંતિભાઈ વાલંભિયા દ્વારા ઇલેક્ટ્રીક પાર્ટ્સ બનાવવાનું કામ કરવામાં આવે છે, પરંતુ ત્યાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન દુકાનદાર સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે નીતિન કાંતિલાલ વાલંભીયા ઉપરાંત કિરણ કાંતિલાલ ચૌહાણ, નિલેશ ભીખાભાઈ અકબરી, અનિરુદ્ધ ગોરધનભાઈ ચોવટીયા, ભાવેશ ધીરજભાઈ પાંભર અને મનીષ અશોકભાઈ સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 8 હજારની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


