Gujarat

જામનગરમાં દબાણો હટાવવા ડિમોલિશનઃ 259 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

By GS TEAM
18 Jun 20252 mins read
જામનગરમાં દબાણો હટાવવા ડિમોલિશનઃ 259 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

રંગમતી, નાગમતી નદીના પટ્ટ સહિતના વિસ્તારોમાં  : મહાપ્રભુજીની બેઠક પાસે, બચુનગર વગેરે સ્થળે ગેરકાયદેસર બાંધકામો, ડીપી કપાત સહિતનાં 917 દબાણો દૂર કરાયાં

જામનગર, : જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી  રંગમતી નાગમતી નદીના પટ સહિતના કેટલાક વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તથા ડીપી કપાત સહિતના 917 દબાણોને દૂર કરી રૂા. 259.02 કરોડની કિંમતની 19 લાખ  ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ પૈકી સોનલનગર પાસે ટીપી સ્કીમમાં કરાયેલા દબાણ દૂર કરાવીને રૂા. 20.52 કરોડની બજાર કિંમત ધરાવતી 33,638 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ હતી. 

મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, મહાપ્રભુજી બેઠક સામે ટીપી સ્કીમ નંબર -2ની 38 કરોડની કિંમતની 1,26,495 ફૂટ જમીનમાં ખડકાયેલા 50 ગેરકાયદે દબાણો તથા ઢીચડા  માર્ગે 13000 ફૂટ જગ્યામાં થયેલું એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્ઞાાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં 30 મીટરના ડીપી રોડની અમલવારી માટે નડતરરૂપ 29 દબાણો દૂર કરાવી 41,170 ફૂટ જમીન ખુલ્લી કરાવાઈ હતી.

પટણી વાડ બહારના વિસ્તારમાં 47 દબાણ તોડી પાડી રૂ. 15.50 કરોડની કિંમતની 61,698 ચોરસ ફૂટ જગ્યા, કાલાવડ નાકા બહાર રંગમતી નદી નજીકના  વિસ્તારમાં ૪૫ મિલકતો તોડી પાડીને 61,655 ફૂટ જગ્યા, લાલપુર બાયપાસથી ઘાંચીની ખડકી સુધીમાં 33 દબાણો તોડી પાડી 77864 ફૂટ  જગ્યા, મારૂં કંસારાની પાછળ રંગમતી  નદી વિસ્તારમાં 29 દબાણો દૂર કરીને 1,00,700 ફૂટ જગ્યા, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાછળના વિસ્તારમાં 17દબાણો તોડી પાડીને 2,27,152 ફૂટ જગ્યા, નવ નાળા પાસે અપસ્ટ્રીમ વિસ્તારમાં 22 દબાણો દૂર કરીને 222080 ફૂટ જગ્યા, સોનાપુરીથી ગાંધીનગર સુધીના 12 મીટર ડીપી રોડની અમલવારી માટે 350 દબાણો  દૂર કરીને 4,51,920ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. બચુનગર વિસ્તારમા 294  દબાણો દૂર કરીને 7,12,328 ચો.ફૂટ રૂા. 185 કરોડ ની જગ્યા મુક્ત કરાવી હતી. જલારામનગરની જગ્યા દબાણ મુક્ત કરવા તંત્ર દ્વારા વિચાર કરવામાં આવશે. વ્હોરાના હજીરાથી અંદર સુધીના વિસ્તારમાં પણ દબાણ હટાવવામાં આવશે તથા નાગમતી નદીના વહેણને અવરોધતા દબાણો પણ દૂર કરવામાં આવશે.