સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન
Surat Corporation : સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટીની રચના બાદ ખાડી કિનારાના ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કામગીરી ઝડપી બની છે. થોડા દિવસ પહેલાં કોયલી ખાડી કિનારે આવેલા જવાહર નગરના ગેરકાયદે બિલ્ડીંગના ડિમોલીશન બાદ આજે સહજાનંદ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ડિમોલીશનનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ એક બાદ એક ડિમોલીશન થતાં ગેરકાયદે બાંધકામ કરનારાએ સમર્થન કરતા પાલિકાની કામગીરી સરળ બની છે.
સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટી બન્યા બાદ પાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલન શક્ય બન્યું છે. આ ઉપરાંત કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણુંક બાદ ખાડી પૂર માટે જવાબદાર ખાડી કિનારાના દબાણ દુર કરવાની કામગીરી સરળ બની છે. આ પહેલાં પાલિકાના વરાછા ઝોને કોયલી ખાડી કિનારે આવેલા જવાહર નગરની ગેરકાયદે મિલ્કતનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારમાં ખાડી કિનારેની ગેરકાયદે મિલ્કતનું ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે.
પાલિકાના વરાછાએ ઝોન દ્વારા ખાડી કિનારે આવેલા બુટ ભવાની વિસ્તારમાં સહજાનંદ વિસ્તારમાં ખાડી કિનારે 19 જેટલા બિલ્ડીંગ આવ્યા છે આ ગેરકાયદે બિલ્ડીંગ દુર કરવા માટે પાલિકાએ કામગીરી શરૂ કરી હતી તો શરુઆતમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. જોકે, કોર્ટ કેસ ન હોવાથી પાલિકાએ સમજાવટ કરી હોવાથી ડિમોલીશન માટે તૈયાર થયા હતા. જેના કારણે આજે સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.