વડોદરાના મકરપુરા જીઆઇડીસીની વોર્ડ નં 18ની ગાયકવાડી ચેનલ પર બનેલા ઝૂંપડાનો સફાયો
Vadodara Demolition : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર રોડ રસ્તે અને આંતરિક રસ્તે જ્યાં ખાલી જગ્યા મળે ત્યાં શ્રમજીવીઓ ઝૂંપડા બનાવીને વસવાટ શરૂ કરી દેતા હોય છે ત્યારે મકરપુરા જીઆઇડીસીની ગાયકવાડી ચેનલની બંધ વરસાદી કાંસ પર ગેરકાયદે બનાવેલા 15 જેટલા ઝુપડા પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ છેવાડે આવેલા મકરપુરા જીઆઇડીસીના વોર્ડ 18માં ગાયકવાડી ચેનલ પર કેટલાક કાચા ઝૂંપડા બનાવીને શ્રમજીવીઓ વસવાટ કરી રહ્યા હોવાની જાણ પાલિકાને થઈ હતી. પરિણામે દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે આજે વહેલી સવારે મકરપુરા જીઆઇડીસીની ગાયકવાડી ચેનલ પાસે પહોંચી ગઈ હતી. જ્યાં અગાઉ શ્રમજીઓ રહેતા હતા તેમને ઝૂંપડા ખાલી કરવા જણાવી દેવાયું હતું. પરિણામે આ 15 જેટલા તમામ ગેરકાયદે ઝુંપડા ખાલી થઈ ગયા હતા. જેથી પાલિકા તંત્રની દબાણ શાખાનું બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.