રાજકોટમાં લુખ્ખાગીરી કરનાર 2 આરોપીની ચારેક ઓરડીનું ડિમોલિશન

બંને આરોપીઓનાં વીજ કનેક્શન પણ કાપી નંખાયાં : કારખાનેદાર સાથે ઝગડો કરી મારામારી કરનાર બંને આરોપીઓ સામે તંત્રની કાર્યવાહી : ડિમોલિશનની વીડિયોગ્રાફી કરાઇ
રાજકોટ, : કોઠારીયા સોલવન્ટ પાસેના નૂરાનીપરામાં રહેતા ફિરોઝ ઉર્ફે ભાઈજાન સલીમ સોલંકી અને નાસીર સાજીદભાઈ ઠેબાના મકાનના ગેરકાયદે વીજ કનેકશન પીજીવીસીએલે કાપી નાખ્યા હતાં. જ્યારે રોડ ઉપર ચણી નાખેલી ચારેક ઓરડીઓ પર તંત્રએ બૂલડોઝર ફેરવી નાખ્યું હતું. ગઇ તા. ૪ના રોજ બંને આરોપીઓએ કારખાનેદાર ઉપર હુમલો કર્યો હતો. લુખ્ખાગીરીની આ ઘટના અંગે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેને ધ્યાને લઇ તંત્રએ આજે ડિમોલીશન કર્યું હતું. આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી ફિરોઝે વીજ બીલ ભર્યું ન હોવાથી તેના મકાનનું વીજ કનેકશન પીજીવીસીએલે કાપી નાખ્યું હતું. જ્યારે આરોપી નાસીરે રોડની વચ્ચે ચાર ઓરડી ચણી નાખી હતી. જેની ઉપર બૂલડોઝર ફેરવી દેવાયું છે. આ ઉપરાંત તેનું ગેરકાયદે વીજ કનેકશન પણ કાપી નાખવામાં આવ્યું છે. આરોપી ફિરોઝ ઉપર થોરાળા અને આજી ડેમ પોલીસ મથકમાં મારામારીના બે ગુના નોંધાયા છે. જ્યારે આરોપી નાસીર વિરૂધ્ધ આજી ડેમ પોલીસ મથકમાં જ મારામારીના બે ગુના નોંધાયેલા છે. જે ઓરડીઓનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું તે સરકારી ખરાબાની જમીનમાં રોડની વચ્ચે ઉભી કરવામાં આવી હતી. ડિમોલીશનની આ સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાઇ હતી.








