જેતપુરમાં ભાજપનાં પૂર્વ સુધરાઈ સદસ્યાનાં મકાનનું ડિમોલિશન
300 વાર સરકારી જમીન પરની પેશકદમી હટાવાઈ : પતિ અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયા'તા : સરકારી તંત્રની દબાણકારોની યાદીમાં નામ આવતાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવાયું
જેતપુર, : જેતપુરમાં ભાજપના જ પૂર્વ સદસ્યા કવીબેન સાંજવાના ગેરકાયદેસર મકાન પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમના પતિ સામતભાઈ પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂકયા છે. તેમનું મકાન સરકારી જમીન પર કરાયેલા દબાણની યાદીમાં આવતા મામલતદાર સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરનાં સામાકાંઠા વિસ્તારમાં ભાદર નદીના કાંઠે અંદાજે સરકારી જમીન પર 300 વારમાં રહેણાંક મકાન હોવાથી વહીવટી તંત્રએ આજે સવારે બુલડોઝર ફેરવ્યું હતું. નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્યા કવિબેન સાંજવા અને અપક્ષ ઉમેદવાર રહી ચૂકેલા સામતભાઈ સાંજવાએ અહીં સરકારી જમીન પર પેશકદમી કરીને રહેણાક મકાન બનાવ્યું હતું.
વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે અહીં સરકારની માલિકીની જમીનમાં મિલકતો ખડકી દીધી છે. આથી તેઓને જમીન માલિકીના આધારે પુરાવા, મકાનના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપી હતી. જેનો પ્રત્યુતર ન મળતા આખરે વહીવટી તંત્રે બંગલા-ઓફિસ સહિતની અંદાજે 300 વાર જમીન પર ડિમોલીશન કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી બુલડોઝર ફેરવી દઈ તોડી પાડયું હતું.