વડોદરામાં ઉમા ચાર રસ્તા વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ, બે મોટા શેડ, ફેન્સીંગ અને ગેટનો સફાયો
Vadodara : વડોદરા શહેરના દંતેશ્વર ખાતેના ઉમા ચાર રસ્તા ખાતે પાલિકા વોર્ડ નં.15 માં કેટલાક મકાનની ગેરકાયદે બનાવેલી કમ્પાઉન્ડ વોલ, બે વિશાળ શેડ, ફેન્સીંગ, ગેરકાયદે બનાવેલા ગેટ સહિતના 14 ગેરકાયદે બાંધકામો પર તંત્રની દબાણ શાખાએ જેસીબી મશીન ફેરવી દીધું ત્યારે સ્થાનિક લોકો તમાશો જોવા એકત્ર થયા હતા ત્યારે પોલીસ કાફલાએ તમામને હટાવી દીધા હતા. જ્યારે ગેરકાયદે દબાણ કરનારાઓએ પાલિકા ટીમ સાથે તું તું મૈ મૈ કરવા છતાં દબાણ શાખાની ટીમે કોઈ દરકાર લીધી ન હતી.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ કાચા પાકા દબાણોનો ઠેર-ઠેર રાફડો ફાટ્યો છે. જ્યાં પણ જગ્યા મળે ત્યાં ગેરકાયદે બાંધકામ કરીને વેપાર ધંધો કે મકાનનું ગેરકાયદે બાંધકામ કરી દેવાય છે. દરમિયાન ટીપી ત્રણ દંતેશ્વર વિસ્તારના ઉમા ચાર રસ્તા ખાતે ફાઇનલ પ્લોટ 248માં વોર્ડ નં.15માં 14 જેટલા કાચા પાકા ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પાલિકા તંત્રને કરી હતી. જેમાં કેટલાક રહીશોએ મકાનની કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગની જાળી, મકાનના ગેટ બનાવી દીધા હતા. જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ બે જેસીબી મશીન સાથે ઘટના સ્થળે આજે પહોંચી ગઈ હતી.
જ્યાં બે મોટા શેડ સહિતના તમામ 14 કાચા પાકા બાંધકામો પર દબાણ શાખાની ટીમે બુલડોઝર ફેરવી દીધું હતું. જોકે દબાણ શાખાની ટીમ વખતે કોઈ અકસ્માત ન થાય એ અંગે જીઇબીની ટીમ, એમ્બ્યુલન્સ વાન તથા સ્થાનિક પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો. કેટલાક દબાણ કરતાં દ્વારા પાલિકાની ટીમ સાથે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે ઉમટયા હતા. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. દબાણ શાખાની ટીમે ઘટના સ્થળેથી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.