Get The App

TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ 1 - image

અગ્નિકાંડ સર્જાયો તેની સામે પતરાંનું ગેરકાયદે બાંધકામ ખડકાયું : મનપાના રૂ।. 94 કરોડની કિંમતના 3 પ્લોટમાં 6 ઝુપડાં,શેડ તોડી પડાયા, સીલ્વર ગોલ્ડમાં માર્જીનમાં 42 ચો.મી.બાંધકામ હટાવાયું

રાજકોટ, : રાજકોટમાં રાજ્યનો સૌથી દર્દનાક અગ્નિકાંડ જ્યાં સર્જાયો હતો તે ટી.આર.પી.ગેમઝોનની સામે પ્લોટમાલિકે પતરાંનું ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું. આજે મનપાના ટી.પી.વિભાગ દ્વારા સળગી ગયેલા ગેમઝોનની સામે સયાજી હોટલ પાછળ આવેલા પતરાંના શેડ, ઝુપડાં સહિતના કૂલ 9923  ચો.મી.જમીન પરથી દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવી હતી. 

મનપા ટી.પી.વિભાગના સૂત્રો અનુસાર ટી.પી.સ્કીમ-20 પૈકી ટીઆરપી ગેમઝોન સામે કે જ્યાં જમીનના બજારભાવ પ્રતિ ચો.મી.આશરે રૂ।.એક લાખ છે ત્યાં (1) રૂ।. 36.95 કરોડની સામાજિક આંતરમાળખાકીય સુવિધા માટે અનામત મનપાના 3695 ચો.મી.જમીન પરના પતરાંના શેડ અને (2) રહેણાંક વેચાણ હેતુના રૂ।. 10 કરોડની કિંમતના 1004ચો.મી.ના પ્લોટમાંથી 3 ઝુપડાં (3) ટી.પી.-5માં પ્રદ્યુમ્ન હાઈટ પાછળ, આર.કે.નગર મેઈનરોડ, નાનામવા વિસ્તારમાં સ્કૂલ માટે અનામત રૂ।. 47.01 કરોડની કિંમતના 5224 ચો.મી.પ્લોટમાં 3 ઝુપડાં હટાવીને 9923 ચો.મી.જમીન ખુલ્લી કરાવી હતી. જો કે આ દબાણકર્તાઓના નામ ટી.પી.વિભાગ દ્વારા જારી કરાયા નથી. 

આ ઉપરાંત લક્ષ્મીનગર નાલા પાસે 15 મીટરના ટી.પી.રોડને 200 મીટર લંબાઈ સુધી દબાવીને ખડકાયેલા ઝુપડાં સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું હતું. નાનામવા પાસે, સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં ભુપતભાઈ ગમારાએ માર્જીનની જગ્યામાં વાણિજ્ય હેતુ માટે ગેરકાયદે બાંધકામ ખડકી દેતા તેને ક. 260(1) અને ક. 260(2) હેઠળ નોટિસો પાઠવ્યા છતાં દૂર નહીં થતા આજે 42 ચો.મી.નું આ બાંધકામ તોડી પડાયું હતું.