બેટ દ્વારકામાં બીજા દિવસે પણ ડિમોલીશનનો ધમધમાટ, વધુ ૧૧૦ મકાનો તોડી પડાયાં
૧૩.૧૨ કરોડની ૨૪૪૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઇ
અવરજવર બંધ કરાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયોઃ પોલીસ કાફલા દ્વારા અવિરત ફૂટ પેટ્રોલિંગ
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર
કરવાની અંગેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે રૃ. ૬.૭૨ કરોડની
કિંમતની ૧૨૫૦૦ ચોરસ મીટર ગૌચર સહિતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અનેક
દબાણકર્તા આસામીઓને તેઓના દબાણ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે ગઈકાલે
અધૂરી રહેલી કામગીરી આજરોજ રવિવારે સવારથી પુનઃ આદરવામાં આવી હતી. જેમાં પોલીસ
કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેવન્યુ તંત્રએ બાલાપર વિસ્તારમાં જ ડિમોલિશન અંગેની
કામગીરી કરી હતી. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આજે વધુ ૧૧૦ રહેણાંક દબાણો તથા
અન્ય એકમળી કુલ ૧૧૧ દબાણો હટાવાયા હતા. જેમાં અંદાજિત ૨૪૪૦૦ ચોરસ મીટર જમીન પરના
બાંધકામો હટાવાયા છે. અને રૃ.૧૩,૧૨,૭૨,૦૦૦ની કિંમતની
જમીન ખુલ્લી કરાવાઇ હતી.
બેટ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરીમાં કોઈ અડચણ ન થાય
તે માટે સમગ્ર પંથકને જાણે કોર્ડન કરી દેવામાં આવ્યો હોય તેમ બહારથી યાત્રાળુઓની
અવરજવર મહદ અંશે બંધ થઈ ગઈ છે. આટલું જ નહીં,
અહીં કોઈ તોફાની તત્વો માથું ન ઊંચકે અને કાયદાનો અહેસાસ થાય તે માટે પોલીસની
ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં વાહનોના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું
હતું.હાલ બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૃ થયો છે અનેક પાકા
મકાનો ખંઢેર બની ચૂક્યા છે અને આ તમામ કામગીરીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે.
ત્યારે આ ઝુંબેશ હજુ પણ જારી રહેશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અનઅધિકૃત મકાનોમાં વીજ કનેક્શન કેવી રીતે ? ચર્ચાતો સવાલ
બેટ દ્વારકા પંથકમાં અનેક લોકોએ સબ ભૂમિ ગોપાલ કીધ સમજીને સરકારી જગ્યા વણાંકી લીધી છે. એટલું જ નહીં, અહીં આ વિશાળ મકાનો પણ બની ચૂક્યા છે, ત્યારે મૂળ પાયાનો સવાલ એ થાય છે કે આવડા મોટા મકાનોમાં દબાણકર્તાઓએ વીજ કનેક્શનનો લીધા કયા મુદ્દે..? જો અહીં પૂરતી તકેદારી રાખીને વીજ જોડાણ ન આપવામાં આવ્યા હોય કે આવા બાંધકામ થાય તે પૂર્વે જ સ્થાનિક જવાબદારોએ કાર્યવાહી કરી હોય તો આટલા મોટાપાયે દબાણ ન થાય તે મુદ્દો પણ સ્થાનિકોમાં ચર્ચા રહ્યો છે.