બેફામ ઝડપે વાહન ચલાવતા ચાલકોના લાઇસન્સ રદ કરવા સહિતના પગલાં લેવા માંગ ઉઠી

- ધોળકામાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા વાહન ચાલકો સામે કાર્યવાહીની માગ
ધોળકા : ધોળકામાં અવાજવાળા મોડીફાઇડ સાઇલેન્સર વાળા અને બેફામ ઝડપે વાહન ચલાવતા ચાલકોના લાઇસન્સ રદ કરવા સહિતના પગલાં લેવા માગ ઉઠી છે. મોટા અવાજવાળા સાઇલેન્સર વાળા ચાલકો જાણે ફટાકડા ફોડતા હોય તેવા અવાજ સાથે નીકળતા રાહદારીઓ તેમજ રોડ નજીક આવેલી સોસાયટીઓમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
ધોળકા શહેરમાં કેટલાક નબીરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમુક રાજકીય પીઠ્ઠુઓના જોરે તથા પોલીસ તંત્રની નિષ્ફળતાના કારણે આ નબીરાઓ બેફામ બની ચુક્યાં છે. જેથી આવા નબીરાઓની શાન ઠેકાણે લાવવી જરૂકી થઇ પડી છે. ધોળકા શહેર તથા ખાસ કરીને કલિકુંડ વિસ્તારના વિવિધ માર્ગો ઉપર દિવસ દરમિયાન તેમજ રાત્રી દરમિયાન મોટા અવાજવાળા સાઇલેન્સર વાળા ચાલકો જાણે ફટાકડા ફોડતા હોય તેવા અવાજ સાથે નીકળતા રાહદારીઓ તેમજ રોડ નજીક આવેલી સોસાયટીઓમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
શહેરમાં કલિકુંડ સહિતના વિસ્તારમાં જાહેર માર્ગો પર આવા નબીરાઓ બેફામ બાઇકો ચલાવી લોકોને મુંઝવી નાખે છે. જ્યારે રેસિડેન્સી વિસ્તારો પાસે બાઇકના સાઇલેન્સરમાંથી મોટા અવાજવાળા ફટાકડા ફુટતા રહીશો ફફડી ઉઠે છે. આથી આવા બાઇક સવારોને ઝડપી લઇ જરુરી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગણી ઉઠવા પામી છે.
ધોળકામાં કુમારીકાઓ દ્વારા ગૌરી વ્રત એટલેકે જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ સ્થળે અમુક નબીરાઓ અહી આવી પહોંચે છે અને ખાનગી રીતે કુમારીકાઓના ફોટા મોબાઇલમાં પાડી લેતા હોવાની પણ નગરમાં ચર્ચા થઇ રહી છે. આથી ધોળકા પોલીસ તંત્ર આ સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી આવા નબીરાઓને ઝડપી લઇ તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી પણ માંગણી ઉઠી ચુકી છે.









