Get The App

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી

કોરોના મહામારીમાં મહિલા આર્થિક સંકડામણમાં આવી હતીઃ ઘરે આવીને રિવોલ્વર બતાવી ધમકી આપતા આરોપી અને તેના સાગરીતોની ધરપકડ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી 1 - image

 વડોદરા,દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય અમદાવાદના ફાઇનાન્સર દ્વારા વધુ ૮૦ લાખની માગણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવતી હતી. મકરપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને કાર કબજે કર્યા છે.

તરસાલી મનહર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના શશીલીયા એન્ડ્રુ પિન્ટો રીક્રુટમેન્ટ એન્ડ મેન પાવર સપ્લાયનું કામ કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી ઓફિસ અલકાપુરીમાં છે.કોરોના મહામારીના કારણે મને અમુક કંપનીઓ તરફથી સમયસર નાણાં નહીં મળતા અમારી કંપની આર્થિક સંકડામણમાં આવી ગઇ હતી. મેં સી.એ. કેયૂર પટેલને બેન્કમાંથી લોન માટે વાત કરી હતી. પરંતુ, બેન્કમાંથી લોન નહીં મળતા  મેં તેઓને નાણાં આપી શકે તેવી વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું. તેમણે મારો સંપર્ક સુનિલ નલીનભાઇ પરીખ (રહે. તિરૃપતિ એપાર્ટમેન્ટ, જનતા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ) સાથે કરાવ્યો હતો. તેમણે મને ૨૫ લાખ આપ્યા હતા. તેની સામે મારા મકાનનું બાનાખત તથા ઓફિસનો કબજા કરાર છ મહિનાનો મારી પાસેથી કરાવી લીધો હતો. મે - ૨૦૨૧ થી જૂન - ૨૦૨૪ સુધી મેં તેઓની  પાસેથી કુલ ૧.૫૭ કરોડ લીધા હતા. તેની સામે મેં ૪.૩૯ કરોડ ચૂકવી દીધા હતા.તેમછતાં તેઓ મારી  પાસે વધુ ૮૦લાખની માગણી કરે છે.  તેઓ ફોન પર ધમકી આપતા હતા. મારા  પતિને બ્રેન સ્ટ્રોક આવ્યો હોઇ મેં શરૃઆતમાં તેઓને જાણ કરી નહતી.

એક વખત  રિવોલ્વર બતાવી તેઓ અમારી ઓફિસની ચાવી લઇ ગયા હતા.  ગઇકાલે ફરીથી સુનિલ પરીખ તેના માણસોને લઇને અમારા ઘરે આવ્યો હતો. પિસ્તોલ ટીપોઇ પર મૂકીને રૃપિયાની ઉઘરાણી કરતા હતા. મેં તેઓની જાણ બહાર પોલીસને કોલ કરતા પોલીસ આવી ગઇ હતી અને અમને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. સુનિલ પરીખ સાથે આવેલી વ્યક્તિઓ રજનીકાંત રાવત તથા જયેશ પરમાર ( બંને રહે. અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું.